• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભાજપ દ્વારા 21 હજાર `નમો સંવાદ' સભાઓ યોજાશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સ્ટાર પ્રચારકોની સભાઓની સાથે સાથે પક્ષ સંગઠનના શક્તિ કેન્દ્ર સ્તરે 21 હજાર `નમો સંવાદ' સભાઓનું આયોજન કરશે. ભાજપના મહારાષ્ટ્ર એકમના મહામંત્રી વિક્રાંત પાટીલે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપનું લક્ષ્ય `નમો સંવાદ' સભાઓ દ્વારા એક કરોડ મતદારો સુધી પહોંચવાનું છે. પ્રસંગે રાજ્યના મીડિયા વિભાગના વડા નવનાથ બન અને પ્રવક્તા ઓમપ્રકાશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. વિક્રાંત પાટીલે કહ્યું હતું કે, વર્ષ 2014 પહેલાંના ભારત અને મોદી સરકાર દરમિયાન બનેલા નવા ભારતની તુલનાત્મક તસવીર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 

પાટીલે વધુમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના ઘણા મહત્ત્વના નેતાઓ ભાગ લેશે. તેની સાથે વધુમાં વધુ મતદારો સુધી સીધા પહોંચવા માટે `નમો સંવાદ' સભાઓનું આયોજન કરવામાં આવશે. `નમો સંવાદ' સભા મતદાનના તબક્કાઓ અનુસાર નક્કી કરવામાં આવશે. પાટીલે ઉલ્લેખ કર્યો હતો કે, 21 હજાર શક્તિ કેન્દ્રો પર આયોજિત સભાઓમાં 300થી વધુ વક્તા ભાગ લેશે. દરરોજ સાતથી આઠ બેઠકો યોજવામાં આવશે. સંવાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં `નમો ચૌપાલ' જેવા કાર્યક્રમો યોજાશે. અને યુવાનો સાથે વાતચીત કરવા માટે `કૉફી વિથ યુથ' યોજવામાં આવશે.