• શનિવાર, 27 એપ્રિલ, 2024

ઓન્કોલૉજિસ્ટ્સ ડૉક્ટરોએ હેલ્પલાઇન નંબર 9355520202 લૉન્ચ કર્યો  

કૅન્સરના દરદીઓ હવે સેકન્ડ અૉપિનિયન વિનામૂલ્યે લઈ શકશે

મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : કૅન્સર મુક્ત ભારત અભિયાન હેઠળ ઓન્કોલોજિસ્ટ્સ તબીબોના ગ્રુપ દ્વારા કૅન્સરના દરદીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ સેકન્ડ ઓપિનિયન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. 9355520202 હેલ્પલાઇન નંબર સોમવારથી શનિવાર સુધી સવારે 10 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે. સમગ્ર દેશના કૅન્સરના દરદીઓ સારવાર અંગે તબીબો સાથે સીધી વાત કરવા નંબર પર અૉડિયો કૉલ અથવા વીડિયો કૉલ કરી શકે છે. 

કૅન્સર સામેની લડાઈમાં હેલ્પલાઇન નંબર ગેમ ચેન્જર બની શકે છે એવી ખાતરી આપતાં કૅન્સર મુક્ત ભારત અભિયાનનું નેતૃત્વ કરતાં ડૉ. આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કૅન્સરનું નિદાન થયું હોય એવા તમામ દરદીને સેકન્ડ ઓપિનિયનની ભલામણ કરવામાં આવે છે કારણ કે જીવન-મૃત્યુનો જંગ છે. ઘણીવાર સારવાર છતાં સ્થિતિમાં સુધારો થતો હોય અથવા નિદાન વિશે અસમંજસ હોય અથવા સારવાર શંકાસ્પદ લાગતી હોય ત્યારે સેકન્ડ ઓપિનિયન મહત્ત્વપૂર્ણ છે. કૅન્સરની સારવારનો ખર્ચ ઊંચો હોય છે અને દરેક હૉસ્પિટલના ખર્ચમાં પણ ફરક હોય છે. એવામાં હેલ્પલાઇન નંબર કૅન્સરના ભયાવહ પડકારનો સામનો કરી રહેલા દરદીઓને અમૂલ્ય સેવા પ્રદાન કરશે અને નાણાકીય અવરોધોના બોજ વિના અનુભવી ઓન્કોલોજિસ્ટની સલાહ લેવાની તક આપશે.