• રવિવાર, 28 એપ્રિલ, 2024

સ્મોલકૅપ શૅર્સમાં રોકાણકારોને રૂા. 26 લાખ કરોડની કમાણી થઈ  

કુલ માર્કેટકૅપ વધીને 66 લાખ કરોડ રૂપિયા થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શૅરબજારમાં સતત તેજી જોવા મળી છે. વર્ષ દરમિયાન લાર્જકૅપ, મિડકૅપ તેમ સ્મોલકૅપ એમ બધી કેટેગરીના શૅરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. સ્મોલકૅપ શૅર્સની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023-24માં શૅરમાં રોકાણકારોને રૂા. 26 લાખ કરોડની કમાણી થઈ છે.

બીએસઈ સ્મોલકૅપ ઇન્ડેક્સ, જેમાં 1000 શૅર્સનો સમાવેશ થાય છે એનું માર્કેટકૅપ નાણાકીય વર્ષ 2023-24માં રૂા. 26 લાખ કરોડ વધીને રૂા. 66 લાખ કરોડના લેવલે પહોંચ્યું છે. ઇન્ડેક્સમાં સમાવિષ્ટ દર ચાર શૅરમાંના એક શૅરમાં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે. 1000 શૅરમાં 252 શૅર્સમાં ઇન્વેસ્ટરોને મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે. જોકે, 124 શૅર્સમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે.

રિટેલ ઇન્વેસ્ટરો તેમ મ્યુચ્યુઅલ ફન્ડ્સે એમની સ્મોલકૅપ ઇક્વિટી સ્કીમો દ્વારા મોટા પાયે સ્મોલકૅપ શૅર્સમાં રોકાણ કર્યું છે. જે કેટલીક સ્મોલકૅપ કંપનીઓમાં મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે. એની વિગત જોઈએ. જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં 1878 ટકાનું રિટર્ન રોકાણકારોને મળ્યું છે. બારી રિન્યુએબલ ઍનર્જીમાં 810 ટકા જીઈ ટી ઍન્ડ ડી ઇન્ડિયામાં 638 ટકા, ઓરીનોપ્રો સોલ્યુસન્સમાં 573 ટકા, ટ્રાન્સફોર્મસ ઍન્ડ રેક્ટીફાયર્સમાં 526 ટકા, ફોર્સ મોટર્સમાં 522 ટકા, કેપીઆઈ ગ્રીન ઍનર્જીમાં 443 ટકા, આઈનોક્સ વિન્ડમાં 441 ટકા રિટર્ન મળ્યું છે.

ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગમાં 438 ટકા, આઈનોક્સ વિન્ડ ઍનર્જીમાં 411 ટકા, એચબીએલ પાવર સિસ્ટમ્સમાં 377 ટકા, સુઝલોન ઍનર્જીમાં 369 ટકા, આનંદ રાઠી વેલ્થમાં 345 ટકા, સિન્દર ઇલેક્ટ્રિકમાં 336 ટકા, મેંગલોર રિફાઇનરીમાં 326 ટકા અને કલ્યાણ જ્વેલર્સમાં 281 ટકા રિટર્ન મળ્યું છે.

ઉપરાંત, ઇરકોન ઇન્ટરનેશનલ, જ્યુપીટર વેગન્સ, આરવીએનએલ, કોચીન શિપયાર્ડ, ટિટાગઢ રેલ સિસ્ટમ, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સમાં પણ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન મળ્યું છે.