• રવિવાર, 28 એપ્રિલ, 2024

માર્ચમાં સોનાની આયાતમાં 90 ટકા કરતાં વધુનો ઘટાડો થશે  

ઊંચા ભાવને કારણે માગમાં ઘટાડો થયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : ભાવમાં વધારો થવાથી ભારતમાં સોનાની આયાતમાં માર્ચ મહિનામાં 90 ટકા કરતાં વધુ ઘટાડો થવાની ગણતરી છે.આંતરરાષ્ટ્રીય તેમ સ્થાનિક પરિબળોને કારણે ભારતમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. મહિનામાં અગાઉ ભાવ વધીને રૂા. 67,000ના લેવલે પહોંચી ગયા હતા. એને પગલે સોનાની માગમાં ઘટાડો જોવા મળ્યો છે.

બજારમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફેબ્રુઆરીમાં સોનાની આયાત 110 મેટ્રિક ટન થઈ હતી. માર્ચમાં ઘટીને 10થી 11 મેટ્રિક ટન થવાનો અંદાજ છે. આમ માર્ચમાં સોનાની આયાતમાં 90 ટકા કરતાં વધુ ઘટાડો થવાનો અંદાજ છે. ભાવ વધારાને પગલે વેચાણમાં ઘટાડો થવાથી બૅન્કોએ સોનાની આયાતમાં ઘટાડો કર્યો છે. સોનાના ભાવમાં વધારો થવાથી ગ્રાહકો નવું સોનું ખરીદવાને બદલે જૂના દાગીના એક્સચેન્જ કરીને નવી જ્વેલરી ખરીદવાનું પસંદ કરે છે. એને કારણે લગ્નગાળામાં પણ સોનાની માગમાં ઘટાડો થયો છે.