• શનિવાર, 27 એપ્રિલ, 2024

અંબર દલાલ કઈ રીતે રૂપિયાની હેરફેર કરતો એ જાણવાનો પ્રયત્ન કરાશે   

આર્થિક ગુના શાખાએ 1000થી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરનારા સીએને ઉત્તરાખંડથી પકડયો 

મુંબઈ, તા. 28 : મુંબઈ પોલીસની આર્થિક ગુના અન્વેષણ શાખાએ ઉત્તરાખંડમાંથી એક બોગસ નાણાકીય યોજના ચલાવીને 1000 થી વધુ ભારતીય અને વિદેશી રોકાણકારો સાથે છેતરપિંડી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અંબર દલાલની ધરપકડ કરી હતી. અત્યાર સુધી 600થી વધુ રોકાણકારોએ પોલીસનો સંપર્ક કરી કુલ રૂા. 380 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું છે. સીએની ધરપકડ બાદ એને કોર્ટમાં રજૂ કરીને પહેલી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 

રિટ્ઝ કન્સલ્ટન્સી સર્વિસિઝ કંપની ચલાવતા અંબર દલાલે લોકોને દર મહિને રોકાણ પર 1.5 થી 1.8 ટકા માસિક વળતર આપવાનો વાયદો કર્યો હતો. માત્ર ભારતના નહીં અમેરિકા, યુકે, અૉસ્ટ્રેલિયા, ચીન અને દુબઈના રોકાણકારોની સાથે પણ છેતરપિંડી થઈ છે. ઓશિવારા પોલીસ સ્ટેશનમાં સીએ વિરુદ્ધ 15મી માર્ચના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જુહુની એક ફેશન ડિઝાઇનરે ફરિયાદ નોંધાવી હતી. સીએ દ્વારા ફેશન ડિઝાઇનરનો વિશ્વાસ જીતવા એમઓયુ પણ કર્યા હતા. શરૂઆતમાં તો રોકાણ પર વળતર મળ્યું હતું પણ માર્ચ મહિનાથી વળતર મળવાનું બંધ થઈ ગયું હતું. 

ફેશન ડિઝાઇનર દ્વારા વળતર માટે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવતાં બહાનાં કરવામાં આવ્યાં. બાદમાં ખબર પડી કે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સીએ દ્વારા અનેકને પોસ્ટ ડેટેડ ચેક પણ આપવામાં આવ્યા હતા. બાદમાં ખબર પડી કે કંપનીના એકાઉન્ટમાં માત્ર રૂા. 50,000ની રકમ છે. સીએ દેશ છોડીને ફરાર થાય માટે લૂકઆઉટ નોટિસ પણ બહાર પડાઈ હતી. ઍક્ટર અનુ કપૂરના પરિવારે પણ રૂપિયા ગુમાવ્યા છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકોએ રૂપિયા ગુમાવ્યા છે.   

સીએની યોજનામાં નાણાં ગુમાવનાર એક રોકાણકારે કહ્યું કે રૂા. 10 લાખથી રૂા. 10 કરોડથી વધુ રકમ દલાલની કંપનીમાં લોકોએ રોકી છે. કેટલાક વરિષ્ઠ નાગરિકોએ તો પોતાની પેન્શનની રકમ પણ આવી યોજનામાં રોકી છે. આર્થિક ગુના શાખાએ દલાલની ઓફિસ અને ઘરોની ઝડતી લઈને 20 કરતાં વધુ એના બૅન્ક એકાઉન્ટને સીલ કર્યા છે. પાંચ દિવસની કસ્ટડી દરમિયાન દલાલ કઈ રીતે ફંડને બીજી જગ્યાએ મોકલતો હતો જાણવાનો પ્રયત્ન કરશે.