• રવિવાર, 28 એપ્રિલ, 2024

રાજકારણથી 14 વર્ષના `વનવાસ' બાદ ગોવિંદા શિવસેનામાં  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : બૉલીવૂડના અભિનેતા અને કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ ગોવિંદા આજે શિવસેનામાં સામેલ થયા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને પક્ષમાં આવકાર્યા છે.

ગોવિંદાને પક્ષમાં આવકારતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, તેઓ સમાજના દરેક વર્ગોમાં લોકપ્રિય વ્યક્તિ છે. પ્રસંગે ગોવિંદાએ જણાવ્યું હતું કે, 14 વર્ષના `વનવાસ' પછી હું રાજકારણમાં પાછો ફરી રહ્યો છું. મને જો તક અપાશે તો હું કલા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં કામ કરીશ. એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા પછી મુંબઈ વધારે વિકસિત અને સુશોભિત બન્યું છે, એમ ગોવિંદાએ ઉમેર્યું હતું.

શિવસેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોવિંદાને લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપરથી ઉમેદવારી આપવામાં આવે એવી સંભાવના છે. બેઠક ઉપર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અમોલ કીર્તિકરને ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરી છે. અમોલ કીર્તિકર શિવસેના (શિંદે)ના વાયવ્ય મુંબઈના વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. ગજાનન કીર્તિકરની વધતી વયને કારણે શિવસેના (શિંદે) તેમને વાયવ્ય મુંબઈની બેઠક ઉપર ફરી ઉમેદવારી આપે એવી સંભાવના ઓછી છે.