• રવિવાર, 28 એપ્રિલ, 2024

સીએસએમટીનો થશે કાયાપલટ  

રૂા. 2450 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત હાલની અૉફિસોને ખસેડીને ઉપનગરીય રેલ માટે બનાવાશે પ્લૅટફૉર્મ, એલિવેટેડ ડેક અને સીટી સેન્ટર

મુંબઈ, તા. 28 : યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મેળવનાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના રિડેવલપમેન્ટ કામ અંતર્ગત ડી એન રોડથી પીડિમેલો રોડ સુધી એક એલિવેટેડ ડેક બનાવવામાં આવશે એટલું નહીં રેઇલ પોલીસ નામક ચોવીસ કલાક ખુલ્લા રહેતું સીટી સેન્ટર પણ બનાવવામાં આવશે. રેલવે બોર્ડના સભ્ય અનિલકુમાર ખંડેલવાલની અધ્યક્ષતામાં 26મી માર્ચના રોજ મળેલી બેઠકમાં રૂા. 2450 કરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. 

રેલવે ડીએન રોડ પર મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનના વહીવટી ઇમારતનો કબજો લેશે. જ્યાં આઇઆરસીટીસીની અૉફિસ આવેલી છે. રેલ લેન્ડ ડેવલપમેન્ટ અૉથોરીટી એલિવેટેડ ડેક બનાવશે. ત્યાર બાદ અહી આવેલી અૉફિસોને કર્નાક બંદર તરફ ખસેડવામા આવશે. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર ડિવિઝન જ્યાંથી મુંબઈના ટ્રેન અૉપરેશન અને અન્ય પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. એને વાડી બંદરમાં ખસેડાશે. આમ અૉફિસોને ખસેડીને ઉપનગરીય ટ્રેનો માટે રેલ પ્લૅટફૉર્મ બનાવવામાં આવશે. 

કર્નાક અને વાડી બંદર ખાતે બનાવવામાં આવનાર એલિવેટેડ ડેક લાંબા અંતરની ટ્રેનો માટે બનાવવામાં આવશે. વર્તમાન ફુટ ઓવર બ્રિજ ઉપરાંત બે એલિવેટેડ ડેકને જોડવા માટે 25 મીટર પહોળા એફઓબી બનાવવામાં આવશે. જેજે કૉલેજની બહાર આવેલા હિમાલયા એફઓબીને પણ એલિવેટેડ ડેક સાથે જોડવામાં આવશે. ડીએન રોડ તરફ આવેલી એલિવટેડ ડેકમાં ફુડ સ્ટોલ્સ, ટિકિટબારીઓ, બેસવાની જગ્યા તથા એટીવીએમ જેવી સુવિધાઓ હશે. પીડીમેલો રોડ તરફ બનનારા બે માળના ડેકના પહેલા માળે ટિકિટબારીઓ અને એસી પ્રતિક્ષાલયો હશે. તો બીજા માળ પર શોપિંગ મોલ, એન્ટરટેઇનમેન્ટ અને ગેમિંગ ઝોન હશે.