• રવિવાર, 28 એપ્રિલ, 2024

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ધૂળ-માટીનું સામ્રાજ્ય, લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં  

મુંબઈ, તા. 28 : નેશનલ હાઈવે અૉથોરિટી અૉફ ઇન્ડિયા દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈવેનું કોંક્રિટીકરણ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં ગુજરાતથી મુંબઈની દિશા તરફ કોંક્રિટીકરણ શરૂ કરાયું છે, પરંતુ કાર્ય શરૂ થયું ત્યારથી લોકો ધૂળ-માટીના પ્રદૂષણથી હેરાન થઈ રહ્યા છે. રસ્તા પર ફેલાયેલી માટી અને કોંક્રિટીકરણના કામથી ચારે તરફ ધૂળ ફેલાયેલી નજરે પડે છે. માલજીપાડા, લોઢાધામ, પેલ્હાર, વિરાર ફાટા અને અન્ય વિસ્તારોમાં એટલી ધૂળ-માટી ઊડી રહી છે કે સામેથી આવતું વાહન પણ માંડ નજરે પડે છે. માર્ગ અકસ્માતો પણ વધી ગયા છે. હાઈવેને કિનારે આવેલા હોટલચાલકોની પણ મુશ્કેલી વધી ગઈ છે. તેમનું કહેવું છે કે હાઈવે પર ઊડતી ધૂળ-માટી સંપૂર્ણ હોટલમાં ફેલાઈ જાય છે, આથી ગ્રાહકો હોટલમાં આવતા બંધ થઈ ગયા છે. હાઈવે નજીકનાં ગામોમાં રહેતા ગ્રામજનોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે, શ્વસનતંત્ર સંબંધિત રોગો વધી રહ્યા છે.

તલાસરીથી કાશીમીરા વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈવેની લંબાઈ 121 કિ.મી. છે. હાઈવેને કોંક્રિટનો બનાવવાનો નિર્ણય લેવાયો છે. લગભગ 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા હાઈવેના નિર્માણમાં અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટરોની લાપરવાહીથી પ્રદૂષણ વધી રહ્યું છે. વાહનચાલકોને હાઈવે પર ચારથી કલાક ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે આટલું પ્રદૂષણ ક્યારેય જોયું નથી. ધૂળ-માટીને કારણે લોકોને ચોવીસે કલાક દરવાજા-બારી બંધ રાખવા પડે છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણ ઘટાડવા તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. ધૂળને કારણે વાયુ પ્રદૂષણ તો થઈ રહ્યું છે સાથે ટ્રાફિકજામમાં ફસાયેલા લોકો સાથે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.