• સોમવાર, 29 એપ્રિલ, 2024

મુંબઈથી પુણે, નાસિક અને શિર્ડી શૅર કૅબનાં ભાડાંમાં વધારો  

મુંબઈ, તા. 29 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ અૉથોરિટી (એમએમઆરટીએ)ની તાજેતરની બેઠકમાં મુંબઈથી નાસિક, પુણે અને શિર્ડી ત્રણ માર્ગ પર દોડતી કાળી-પીળી અને ભૂરા-સફેદ રંગની એસી ટૅક્સી ભાડાંના દરમાં સુધારો કરવાની મંજૂરી અપાઈ છે. આથી હવે મુંબઈથી નાસિક જનારાઓને એસી ટૅક્સી દ્વારા પ્રવાસ માટે વધારાના 100 રૂપિયા અને શિર્ડી માટે વધારાના 200 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મુંબઈથી પુણે પ્રવાસ માટે એસી અને સાદી ટૅકસી માટે પ્રવાસીઓને વધારાના 50 રૂપિયા ચૂકવવા પડશે.

આથી મુંબઈ-નાસિક રૂટ પર એસી ટૅક્સીનું ભાડું રૂા. 475થી 635 રૂપિયા થશે. તો મુંબઈ-શિર્ડી એસી ટૅક્સીનું ભાડું વર્તમાનના રૂા. 575થી વધીને 825 રૂપિયા થશે. મુંબઈ-પુણે રૂટ પર સાદી ટૅક્સીનું ભાડું 450 રૂપિયાથી વધીને 500 રૂપિયા અને એસી ટૅક્સીનું ભાડું 525 રૂપિયાથી વધીને 575 રૂપિયા થશે.

ટૅક્સી ભાડાંમાં સુધારો કરવા માટે રચવામાં આવેલી ખટુઆ સમિતિના અહેવાલ મુજબ મુંબઈ ટૅક્સી સંગઠને કરેલી માગણીઓ ધ્યાનમાં લઈને ભાડાંમાં સુધારો કરવામાં આવ્યો છે. ભાડાવધારો ક્યારે અમલમાં આવશે એની તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ આગામી મહિનાથી લાગુ થવાની શક્યતા હોવાનું આરટીઓનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુધારેલાં ભાડાંના દર દાદરસ્થિત ટૅક્સી સ્ટૉપ પર તરત નજરે પડે રીતે લગાડવાનું કહેવામાં આવ્યું છે.