• સોમવાર, 29 એપ્રિલ, 2024

રાજ્યમાં 25,829 મેગાવૉટ સાથે અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ  

મુંબઈ, તા. 29 : રાજ્યભરમાં ગુરુવારે બપોરે એમએસઈડીસીએલના ગ્રાહકો દ્વારા વીજ વપરાશ 25,829 મેગાવોટની સર્વકાલીન ઊંચાઈ પર પહોંચ્યો હતો, જેણે ગયા  વર્ષે એપ્રિલમાં 25,437 મેગાવોટના અગાઉના વિક્રમને તોડયો હતો. રાજ્ય પાવર યુટીલિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વધતા તાપમાન વચ્ચે લોકો પંખા, એસી અને અન્ય ઉપકરણોનો વધુ ઉપયોગ કરતા હોવાથી તેમને ઊંચી માગ પૂરી કરવામાં પડકારનો સામનો કરવો પડયો હતો.

રાજ્યના પાવર જનરેટર્સે પણ થર્મલ અને હાઈડ્રો જનરેશનમાં વધારો કર્યો છે, જેમાં કુલ ઉત્પાદન 8492 મેગાવોટને સ્પર્શ્યું છે. ઉપરાંત એમએસઈડીસીએલએ પ્રવર્તમાન બજાર દરો પર એક્સચેન્જમાંથી 10,626 મેગાવોટ પાવરની ખરીદી કરી હતી. વીજ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આપણે માર્ચમાં વીજનો ઉચ્ચ માગણીનો સામનો કરી રહ્યા છીએ. આપણે એપ્રિલ અને મેમાં ગરમીની લહેરનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

કરનાક ખાતે તાતા પાવરનું એક ફીડર ગુરુવારે રાત્રે ટ્રીપ થઈ ગયું હતું જેના કારણે દક્ષિણ મુંબઈના ભાગોમાં બેસ્ટ સપ્લાય વિસ્તારોમાં પાવર કટ થયો હતો.