વિશ્વમાં પલટાઈ રહેલાં આર્થિક સમીકરણો વચ્ચે ક્રૂડતેલના ભાવો નીચા રહ્યા છે, પણ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના પરની આબકારી જકાતમાં લિટરદીઠ બે-બે રૂપિયા અને રાંધણગૅસમાં પ0 રૂપિયાનો વધારો કરીને પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં રાહતની આશાનો છેદ ઉડાડી નાખ્યો છે. જકાત વધારાની જાહેરાત સાથે ઈંધણના ભાવે વધશે એવી અટકળો સરકારે તાબડતોબ નકારીને આ વધારાની વપરાશકારોની ઉપર કોઈ અસર પડશે નહીં. જોકે, આ વહેવારમાં એક કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ ચાર વર્ષની નીચલી સપાટીએ છે, ત્યારે ખેરખર તો ઈંધણની કિંમતોમાં ઘટાડો કરી નાગરિકોને તેનો લાભ આપવાની જરૂર હતી.
પેટ્રોલ અને
ડીઝલના વેચાણ ભાવોમાં સૌથી વધુ હિસ્સો સરકારી વેરાનો રહ્યો છે. આજે આ બન્ને ઈંધણના
ભાવ લિટરે 100 રૂપિયાને આંબી રહ્યા છે,
જેના લીધે સામાન્ય નાગરિકોથી માંડીને ઉદ્યોગ જગત સૌની
ગણતરીઓ અને બજેટ ખોરવાતાં રહે છે, પણ સરકાર પોતાની આવક અને બજેટને જાળવવાની બાબતને સતત
પ્રાધાન્ય આપીને વેરા અને જકાત વધારતી જાય છે. સરકારે આ વખતે એવો ખુલાસો કર્યો છે
કે, હાલના કપરા આર્થિક સંજોગોમાં આ વધારાથી આવક ઊભી કરવામાં મદદ મળી શકશે. અગાઉ 10 વર્ષ પૂર્વે જકાત વધારાઈ હતી,
ત્યારે એવું કારણ અપાયું હતું કે,
આ રકમથી ક્રૂડતેલનો તાકીદનો જથ્થો એકઠો કરવામાં આવશે,
પણ તે પછી સરકારે આ વેરામાં સતત વધારો કર્યો છે.
ક્રૂડ તેલના ભાવ
વધે એટલે ઈંધણની કિંમત વધારી નાખતી સરકાર ભાવો ઘટે ત્યારે વેરા વધારીને કિંમતો ઓછી
કરવાનું વિસારે પાડી દે છે. ખરેખર તો સરકારે આ નીતિ ત્યજી લોકભોગ્ય વલણ પર ધ્યાન
આપવાની જરૂર છે. આ વખતે જકાતમાં લિટરદીઠ બે રૂપિયાનો વધારો કરવાને બદલે કિંમતમાં
એટલી રાહત આપી હોત તો મોંઘવારીને કાબૂમાં લેવાનો પડકાર હળવો બની શક્યો હોત. સરકારે
આ બાબતે નવેસરથી વિચાર કરવાની ખાસ જરૂરત છે.