• શનિવાર, 25 માર્ચ, 2023

હવે પ્રતીક્ષા ચુકાદાની   

શિવસેનામાં પડેલી ફૂટ પર એક મહિનો સુપ્રીમ કોર્ટમાં પાંચ સભ્યોની બંધારણીય બૅન્ચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી પૂરી થઈ છે. 12 દિવસ ચાલેલી દલીલો પછી કોર્ટે ચુકાદો બૅન્ચના એક સભ્ય ન્યાયમૂર્તિ એમ. આર. શાહ 15મી મેએ નિવૃત્ત થવાના હોય તેના પહેલાં આપે એવી શક્યતા છે. આ સંપૂર્ણ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કરેલી માર્મિક ટિપ્પણો અને નિરીક્ષણોએ સમસ્ત દેશનું ધ્યાન ખેંચ્યું છે. 

વિધાનસભા સ્પીકરના વિરોધમાં અવિશ્વાસની નોટિસ આપ્યા પછી વિધાનસભ્યોને અપાત્ર ઠરાવવાનો અધિકાર તેમને નથી હોતો, આવો મહત્ત્વપૂર્ણ ચુકાદો નબામ રેબિયા ખટલામાં આપવામાં આવ્યો હતો. આ ચુકાદાની ફેરવિચારણાની માગણી ઠાકરે જૂથના વતી જ્યેષ્ઠ વકીલ કપિલ સિબલે કરી હતી. આ પ્રકરણ સાત સભ્યોની બંધારણી બૅન્ચને સોંપવાનો નિર્ણય પણ હજી પૅન્ડિંગ છે. અપાત્રતા સંદર્ભમાંના મૂળ ચુકાદામાં નબામ રેબિયા ચુકાદા પર પણ કોર્ટે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે.

વિધાનસભ્યોના અપાત્રતા પર હંગામી સ્ટે આપીને સુપ્રીમ કોર્ટે ભૂલ કરી છે. તેને લઈ શિંદે-ફડણવીસ સરકારની શપથવિધિ રદ કરીને પરિસ્થિતિ પૂર્વવત્ કરવાની વિનંતી ઠાકરે જૂથ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કરી છે. આ બંને મુદ્દા બંધારણીય બૅન્ચે ચુકાદા આપતી વેળા લક્ષમાં લેવા પડશે.

ગવર્નરે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. આનો અમલ થયો હોત તો પરાભવ નિશ્ચિત હતો. તેને લઈ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપ્યું હતું? એવો પ્રશ્ન ચીફ જસ્ટિસે પૂછ્યો હતો. તેના પર ગવર્નરનો આદેશ ગેરકાયદે હોવા છતાં પરિણામ પણ એ જ આવવાનું છે એની ઠાકરેને જાણ હતી. એવો મુદ્દો રજૂ કરતા સિંઘવીએ ગવર્નરનાં પગલાં સામે વાંધો લીધો હતો.

આની સામે ગવર્નર વતી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં અસ્થિરતા નિર્માણ થઈ હોય તો સરકારને બહુમત સાબિત કરવાનો આદેશ આપવાનું ગવર્નરનું પગલું યોગ્ય ઠરે છે. કયા જૂથ પાસે કેટલું સંખ્યાબળ છે તેની ચોક્કસાઈ રાજ ભવનમાં ન થઈ શકે. લોકશાહીમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો પર્યાય હોય છે. શિંદે જૂથના વિધાનસભ્યો, અપક્ષ તેમ જ નાના પક્ષોએ ઠાકરે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. આ સભ્યોએ જ તેમ જ વિરોધી પક્ષ નેતાએ પણ ગવર્નર પાસે બહુમત સાબિત કરાવવાની માગણી કરી હતી. એમ પણ ગવર્નર વતી જણાવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગવર્નરની ભૂમિકા બદલ ચીફ જસ્ટિસે કરેલી ટિપ્પણ અને નિરીક્ષણ તેમના વ્યક્તિગત હતા. આથી તેની અસર ચુકાદા પર થશે એ હાલ કહી શકાય નહીં. આમ છતાં તેનો ઉલ્લેખ ચુકાદામાં થયો તો તે શું હશે તે અંગે ઉત્સુક્તા રહેવાની જ. 

આમ દલીલોની પૂર્ણાહુતિ પછી બે મહત્ત્વના મુદ્દા હશે. એક ગવર્નરે લીધેલી ભૂમિકા અને બીજી 16 વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દો. તે પૈકી 16 વિધાનસભ્યોની અપાત્રતાનો અધિકાર કોને મળશે એ હાલ કહી શકાય એમ નથી. બંધારણ અનુસાર આ અધિકાર વિધાનસભા સ્પીકરને હોય છે. આથી આ અધિકાર અંગે કોર્ટ કોઈ અલગ ભૂમિકા લેશે એ જોવું રહ્યું. વિધાનસભ્યોની અપાત્રતાના નિર્ણય માટે કદાચ હંગામી વિધાનસભા સ્પીકરની નિમણૂક કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટ ગવર્નરને આપી શકે છે.

સુનાવણી દરમિયાન કોર્ટે ઉભય પક્ષોને પૂછેલા પ્રશ્નની પણ અહીં નોંધ લેવી રહી. કોર્ટે એકનાથ શિંદેને પૂછયું કે તેમને ઉદ્ધવ ઠાકરે સાથે ફાવતું ન હતું તો પછી આટલા લાંબા સમય સુધી સરકારમાં ભાગ કેમ લીધો? જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સવાલ પૂછ્યો હતો કે તેમને પોતાની સરકાર પર પૂરેપૂરો ભરોસો હતો તો તેમણે વિશ્વાસના મતનો સામનો શા માટે ન કર્યો? આ પ્રશ્નોની ચુકાદા પર શું અસર થશે તે પણ જોવું રસપ્રદ રહેશે.

ગયા વર્ષે જૂનમાં શિવસેનામાં બળવો થયા પછી શિવસેનાના શિંદે અને ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં એકમેકના વિરોધમાં છ અરજીઓ કરી હતી. તે પૈકી શિંદે જૂથના વિધાનસભ્યોની અપાત્રતા સંદર્ભમાંની અરજી સર્વાધિક મહત્ત્વની ઠરી છે. ચુકાદો ગમે તે આવે પણ તે ઐતિહાસિક હશે એ નક્કી.