ભારતની લોકશાહીની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે મતદારોની ચકાસણી હંમેશાં ભારે પડકારરૂપ બની રહે છે. કરોડો મતદારોની ખરાઈ કરવા માટે હાથ ધરાઈ રહેલી ખાસ ઝુંબેશ હવે નિર્ણાયક તબક્કે છે, ત્યારે આ અનિવાર્ય પગલાંનો વિરોધ કરતા રાજકીય અને ધાર્મિક વર્ગો મરણિયા બની રહ્યા છે. યેનકેન પ્રકારે આ મતદાર યાદીઓનાં ખાસ ગહન પુન:નિરીક્ષણની કામગીરીને રોકવા મથી રહેલા વિરોધીઓ દ્વારા આગળ ધરાઈ રહેલાં કારણોને સર્વોચ્ચ અદાલત સતત નકારતી રહી છે. અદાલતે આવાં પરિબળોને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે બિહારમાં તો એકપણ એવી વ્યક્તિ સામે આવી નથી, જેની ફરિયાદ હોય કે તેના નામને મતદાર યાદીમાંથી કમી કરી દેવાયું છે.
હાલ દેશનાં વિપક્ષશાસિત
12 રાજ્ય એસઆઈઆરની પ્રક્રિયાને રોકવા માટે સર્વોચ્ચ અદાલત પાસે પહોંચ્યાં છે. બિહારમાં
આ મામલે તેમનો ઈરાદો બર આવ્યો નહીં હોવા છતાં તેઓ સતત આ કાર્યવાહીને રોકવા કારસા કરતા
રહે છે, પણ તેઓ આવા પ્રયાસ કરતી વેળાએ વિસરી જાય છે કે બિહારમાં અમુક ખાસ વર્ગના લોકોને
મતાધિકારથી વંચિત કરવાના આરોપ મૂકનારા આવા આરોપને સાબિત કરી શક્યા નથી.
હાલત એવી છે કે
આ રાજ્યો દ્વારા એસઆઇઆર સામે વિરોધ થઈ રહ્યોઁ છે, તેને બાદ કરતાં બાકીનાં રાજ્યોમાં
6પ ટકા જેટલાં એસઆઇઆરનાં ફૉર્મ ભરાઈ ગયાં છે. આ બતાવે છે કે મતદારોનો મોટો વર્ગ આ પ્રક્રિયામાં
ભાગ લઈ ચૂક્યો છે. આ કાર્યવાહીમાં જે મતદારો અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોય કે મૃત્યુ
પામ્યાં હોય અથવા બે કે તેથી વધુ મતદાર ઓળખપત્ર ધરાવતા હોય, તે ક્ષતિઓ દૂર કરાઈ રહી
છે. આ કાયદેસરની અને વાજબી કાર્યવાહી વિરોધ પક્ષોનાં ગળે ઊતરતી નથી. તેઓ કોઈ પણ હિસાબે
આ કાર્યવાહીને રોકવા મથી રહ્યા છે.
સર્વોચ્ચ અદાલતે
સ્પષ્ટ કર્યું છે કે એસઆઇઆર દરમિયાન ચૂંટણી પંચને મતદારોના દસ્તાવેજોની ખરાઈ કરવાની
સત્તા છે. બનાવટી દસ્તાવેજોની મદદથી મતદાર ઓળખપત્ર બનાવી ચૂકેલા `મતદારો' આપણા દેશમાં
બહુ મોટી સંખ્યામાં છે. ખાસ તો બંગાળ જેવા રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતમાં
મતાધિકાર મેળવી લીધો હોવાના આક્ષેપ સાચા ઠર્યા છે. એસઆઇઆરની કાર્યવાહી શરૂ થતાંની સાથે
આવા ગેરકાયદે વસાહતીઓ હવે મોટી સંખ્યામાં બાંગ્લાદેશ પાછા ફરી રહ્યા છે.
એવી દલીલ થઈ રહી
છે કે ચૂંટણી પંચને કોઈની નાગરિકતા તપાસવાનો અધિકાર નથી, પણ મતદાર યાદીની ક્ષતિઓ સુધારવાનો
અધિકાર તો છે. આ કાર્યવાહીમાં નાગરિકતાના બનાવટી દસ્તાવેજ સામે આવે તો અન્ય એજન્સીઓ
પગલાં લઈ શકે છે. હવે સર્વોચ્ચ અદાલતે ગૃહ મંત્રાલયને આદેશ આપવાની જરૂરત છે કે રાષ્ટ્રીય
નાગરિકતા નોંધણીની ઝીણવટભરી વ્યાપક તપાસ કરવામાં આવે. આમ થશે ત્યારે જ ગેરકાયદે ઘૂસણખોરીનાં
દૂષણને નાથી શકાશે, પણ મોટો સવાલ આવા ગેરકાયદે મતદારોનો મત બૅન્ક તરીકે ઉપયોગ કરતા
રાજકીય પક્ષો અને તેના નેતાઓ આ દેશહિતનાં કામમાં સહયોગ આપશે કે કેમ?