• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

કૉંગ્રેસ-ભાજપમાં આંતરિક મતભેદ

કૉંગ્રેસ અને ભાજપ - બંને પક્ષોમાં આંતરિક મતભેદ અને વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે! નેતાઓમાં પડી એક તકરારનો તમાશો લોકો જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી માથાં ઉપર ગાજે છે ત્યારે ભાજપ અને શિંદે સેના વચ્ચેના વિગ્રહ જાહેરમાં આવ્યા છે. આક્ષેપબાજી આગળ વધી રહી છે. શિંદે સેનાના નેતા નિલેશ રાણેએ સિંધુ દુર્ગ જિલ્લામાં ભાજપના એક નેતાના ઘર ઉપર `છાપો' મારીને રોકડ રૂપિયા ભરેલી બેગના ફોટા પાડીને વાયરલ કર્યા છે અને કહે છે આવી રોકડ રકમ અન્ય આઠથી દસ નેતાઓના ઘરમાં હોવાનો વીડિયો પણ અમારી પાસે છે. ભાજપના સંબંધિત નેતા કહે છે કે રોકડ રકમ મારા વ્યાપાર - ધંધાની છે - ચૂંટણી માટે નથી.

ભાજપના નેતા - રાજ્યમાં પ્રધાન આશિષ શેલારે કહ્યું છે કે અમે રાજકારણમાં હોવા છતાં અમારા અંગત જીવનમાં વ્યાપાર-ધંધા હોય પણ આવા `છાપા' મારીને વીડિયો ફેરવવા યોગ્ય નથી. શિંદે સેનાના નિલેશ રાણેએ છાપા મારીને ભાજપના નેતા ઉપર આક્ષેપ કર્યો છે કે નાણાં ચૂંટણી માટે છે, પણ નિલેશના નાના ભાઈ - રાજ્યમાં પ્રધાન નિતેશ રાણે ભાજપમાં છે અને એમણે ભાજપ કાર્યકરના ઘરમાં મળેલી રકમ ચૂંટણી માટે નહીં હોવાનું જણાવીને કહ્યું છે કે રાજકીય નેતાઓના પણ અંગત વ્યવસાય, વ્યાપાર-ધંધા માટે નાણાં હોય ત્યારે આવા આક્ષેપ થાય તે બરાબર નથી!

નિલેશ અને નિતેશ બંને ભાઈઓ ભાજપના સંસદસભ્ય અને પૂર્વ પ્રધાન નારાયણ રાણેના પુત્રો છે. એક ભાજપમાં અને બીજા શિંદે સેનામાં! મહારાષ્ટ્રના રાજકારણમાં નવું મહાભારત છે!

બીજી બાજુ - મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે એમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેને મળવા ફરીથી એમના ઘેર ગયા. રાજકીય ચર્ચા સિવાય બીજો કયો વિષય હોય? સ્થાનિક ચૂંટણીમાં હવે કૉંગ્રેસ સાથ આપશે કે નહીં? રાજ ઠાકરે હોય તો અમે નહીં - એવી જાહેરાત કૉંગ્રેસે કરી છે. ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપી દીધો છે કે અમારી સાથે કોને લેવા કે નહીં લેવા - તે બાબત કોઈની સલાહ લેવાની જરૂર નથી! પણ ભાજપને હરાવવા માટે આખરે બેઠકોની સમજૂતીના `મૈત્રી કરાર' થાય એવી આશા સેવાય છે.

કૉંગ્રેસ માટે મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટકની સમસ્યા છે. ત્યાં મુખ્ય પ્રધાનપદ માટે અઢી-અઢી વર્ષની મુદત નક્કી થઈ હોવાનું મુખ્ય પ્રધાન સિદ્ધારામન સ્વીકારતા નથી અને નાયબ મુખ્ય પ્રધાન ડી. શિવકુમારના સમર્થકો કહે છે કે હવે શિવકુમારનો વારો છે! પણ `હાઈ કમાન્ડ' ફેંસલો આપે તે બંનેને મંજૂર છે. હવે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સોનિયાજી અને રાહુલજીની સલાહ માગે છે. હાઈ કમાન્ડથી હાયર કમાન્ડ સુધી વિવાદ પહોંચ્યો છે. હવે કર્ણાટકનું ભાવિ રાહુલ ગાંધી નક્કી કરશે. દરમિયાન બિહારમાં પરાજય થયા પછી તેનું પોસ્ટમૉર્ટમ કરવા માટે મળેલી બેઠકમાં ભારે બોલાચાલી અને હાથ ઉછલો થયાના અહેવાલ આવ્યા છે! સત્તા માટે ખેંચતાણ કર્ણાટકમાં થાય છે ત્યારે બિહારમાં પરાજયની જવાબદારી એકબીજા ઉપર ઢોળાય છે

ઇ-પેપરના નવા શુલ્ક