• શુક્રવાર, 11 જુલાઈ, 2025

રોજગારનું રાજકારણ

રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા અને ઔદ્યોગિક સંશોધનને જોમ આપવા માટે કેન્દ્ર સરકારે રૂા. એક-એક લાખ કરોડની બે યોજનાઓ  જાહેર કરી છે. રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના મારફત અૉગસ્ટ 2025થી જુલાઈ 2027નાં બે વર્ષમાં 350 લાખ નોકરીઓ પેદા કરવાનું સરકારનું લક્ષ્ય છે, જેમાંથી 192 લાખ પ્રથમ વખત નોકરી મેળવનારા હશે. આ યોજના અન્વયે સંગઠિત ક્ષેત્રે નોકરીમાં દાખલ થનાર પ્રત્યેક નવા કર્મચારીને રૂા. 15,000 સુધીનો એક મહિનાનો પગાર બે ટુકડે બક્ષિસ તરીકે અપાશે. આ જ યોજનાના બીજા હિસ્સામાં માલિકોને નવા ભરતી કરેલા પ્રત્યેક કર્મચારી દીઠ બે વર્ષ સુધી મહિને રૂા. 3000 પ્રોત્સાહન તરીકે અપાશે. સરકારી પ્રોત્સાહનો દ્વારા સાડા ત્રણ કરોડ નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્યાંક વધુપડતો આશાસ્પદ લાગે છે.

એક તરફ લાખો શિક્ષિત બેકારોની મોટી ફોજ છે અને બીજી બાજુ મોટા ભાગના ઉદ્યોગોમાં યોગ્ય કુશળ કારીગરો મળતા નથી.  આ ખાઈ પૂરવા માટે શિક્ષણ ક્ષેત્રની આમૂલ સુધારણા કરવી પડે. પુસ્તકિયા જ્ઞાનને બદલે વ્યવસાયી કૌશલ્યના ઘડતર પર ભાર મૂકનારી વ્યવસ્થા વિકસાવવી પડે. ત્રીજી જરૂરિયાત આખા દેશમાં સમાનપણે લાગુ પડતા લવચીક કામદાર કાયદાઓની છે. હાલના કાયદા એટલા બધા કામદારતરફી છે કે નવી ભરતી કરતાં પહેલાં માલિકો બે વાર વિચાર કરે. તેથી નિયમિત નોકરીને બદલે કૉન્ટ્રાકટ કર્મચારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. મોદી સરકારે તૈયાર કરેલા સુધારિત ચાર શ્રમિક કાયદામાં પણ આનો ઉકેલ નથી અને તે પણ હજી અમલમાં મુકાયા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક