રાજ્યના દસમા ધોરણની બોર્ડ પરીક્ષાનાં પરિણામોમાં મરાઠી ભાષાના પેપરમાં આશરે એંસી હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયાનું સામે આવ્યા બાદ બુમરાણ મચી છે. એક તરફ, બિન-મરાઠી રિક્ષા-ટૅક્સીચાલકો માટે મરાઠી બોલવા-વાંચવા-લખવાનું ફરજિયાત કરવાનો ફતવો રાજ્ય સરકારે બહાર પાડ્યો છે અને બીજી બાજુ દસમા ધોરણમાં જ મરાઠીભાષી વિદ્યાર્થીઓ માતૃભાષામાં 35 માર્ક્સ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે એસએસસીના વિદ્યાર્થીઓમાં પાસિંગ ટકાવારીમાં બે ટકા જેટલો ઘટાડો છે, પણ ભાષાના પેપરમાં અને ખાસ તો મરાઠીમાં નિષ્ફળતાના વધતા પ્રમાણને શિક્ષણ નિષ્ણાતો ગંભીર બાબત ગણાવી રહ્યા છે. રાજકારણને કોરાણે મૂકીએ તો પણ ભાષાકીય વિષયોમાં વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન વિચાર માગી લે એવી બાબત છે.
એસએસસીની રાજ્ય બોર્ડની
પરીક્ષા નિયમિત, ખાનગી અને રિપિટર સહિતના સોળ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી, આમાંથી
14,52,246 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 90.75 ટકા જેટલી પાસિંગ ટકાવારી ભલે ગયા વર્ષ
કરતાં ઓછી હોય, પણ રાજ્યની સરેરાશની આસપાસ છે. બીજી કે ત્રીજી ભાષા તરીકે મરાઠી લેનારા
4,13,917 વિદ્યાર્થીઓમાંથી 13,741 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. માતૃભાષામાં લેખન-વાંચનના
ઓછા થઈ રહેલા ચલણ તથા સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રસારને આની સાથે નિષ્ણાતો જોઈ રહ્યા
છે. જોકે, બીજી અને ત્રીજી ભાષાની પસંદગીના માપદંડ અને સ્કારિંગ વિષયો તરફ વિદ્યાર્થીઓનો
ઝુકાવ એવી બાબત છે, જેને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. રાજ્યમાં 302 વિદ્યાર્થીઓએ ગુજરાતીને
બીજી કે ત્રીજી ભાષા તરીકે લીધી હતી અને આ બધા જ પાસ થયા છે. તો, 96,331 વિદ્યાર્થીઓએ
બીજી કે ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત લઈ પરીક્ષા આપી હતી અને એમાંથી 95,571 વિદ્યાર્થીઓ
પાસ થયા છે. હાલમાં જ મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો મળ્યો છે અને દસમા ધોરણનું આ પરિણામ
જોતાં સરકારે પગલાં લેવાની જરૂર છે. મરાઠી ભાષા પ્રત્યે સરકાર ખરેખર જ ગંભીર હોય તો
ભાષા શીખવવાની પદ્ધતિમાં આમૂલ ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે
કે, શિક્ષણ ખાતાએ બારમા ધોરણ સુધી મરાઠી ફરજિયાત કરવી જોઈએ, જેથી ભાષા સાથે વિદ્યાર્થીઓનો
સંપર્ક વધે. પાકા ઘડે કાંઠા ન ચડે એ કેળવણીને લગતી ઉક્તિને શિરોધાર્ય કરી સરકારે પગલાં
લેવાની તાતી જરૂર છે. બહારના મરાઠી બોલે એ આગ્રહને બદલે ઘરથી શરૂઆત કરવા વિશે વિચારવા
જેવું ખરું.