• મંગળવાર, 12 મે, 2026

ચેન્નઈમાં રાજ્યાભિષેક પછી લહાણી...

કેરલમની વિધાનસભામાં સ્પષ્ટ અને મજબૂત બહુમતી મળી હોવા છતાં કૉંગ્રેસ હાઈકમાંડ - નવી દિલ્હીમાં બેઠેલા મોટા નેતાઓ મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરી શકતા નથી ત્યારે આસામ અને પુડીચેરીના મુખ્ય પ્રધાનોની પસંદગી થઈ ગઈ છે અને પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્ય પ્રધાનપદના શપથ લઈ લીધા છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન `ટીવીકે'ના જોસેફ વિજયનો શપથવિધિ અવરોધ અને વિલંબ પછી સંપન્ન થયો છે. સૌની નજર ચેન્નઈ ઉપર હતી. માત્ર બે સભ્યોની સરસાઈથી બહુમતી મેળવીને મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચેલા વિજયે મદ્રાસ અને પછી તામિલનાડુ બનેલા રાજ્યમાં દ્રવિડ નેતાઓની ઇજારાશાહી તોડી છે. 1967માં સીએન અન્નાદૂરાઈએ કૉંગ્રેસને `રાજ્યવટો' આપીને તામિલ સલ્તનત શરૂ કરી હતી તેને પરાસ્ત, પદભ્રષ્ટ કરીને સત્તા મેળવનાર જોસેફ વિજયે અત્યાર સુધીની એક જ પક્ષની સરકાર હોવાની પરંપરા તોડી કે તોડવી પડી છે. તામિલનાડુની આ સહિયારી, મિશ્ર સરકારમાં કૉંગ્રેસ, સામ્યવાદી, મુસ્લિમ લીગ અને અન્ય એક નાનાપક્ષનો સમાવેશ થયો છે. મિશ્ર સરકારને ટકાવીને રાજકીય સ્થિરતા આપવાનું સરળ નથી, પણ ફરીથી ચૂંટણીની શક્યતા ટાળવા માટે એકતા અને સ્થિરતા ક્યાં સુધી રહે છે તે સમય બતાવશે.

શપથવિધિ પછી મુખ્ય પ્રધાને પ્રથમ નિવેદનમાં ઘોષણા કરી કે તેઓ એકમાત્ર સત્તાનું કેન્દ્ર છે, અર્થાત્ એકહથ્થું સરકાર છે. અન્ય પક્ષો કે નેતાઓ સત્તાનો દુરુપયોગ નહીં કરી શકે એવો સંદેશ આવકાર્ય છે, પણ રાજકારણ અને રાજકીય સત્તાના બિનઅનુભવી મુખ્ય પ્રધાન અભિનેતામાંથી નેતા બન્યા છે. એમણે સિનેમાની કારકિર્દી છોડવાની જાહેરાત પણ કરી છે. હવે એમના પ્રધાનમંડળમાં અનુભવી નેતાઓ પાસેથી ઘણું શીખવું પડશે.

પણ શપથવિધિ વખતે એમનો અભિનય એક રાજા-અથવા રાજકુંવરને શોભે તેવો હતો! લૂંગી-શર્ટ અને `ઉપવત્ર'ના સ્થાને સૂટ-બૂટમાં સજ્જ થઈને એમણે નવી ભાત છાપ પાડી છે - યુવા વર્ગ અને મહિલાઓને પ્રભાવિત કર્યા છે. આ સાથે જ એમણે સામાજિક ન્યાયની ખાતરી આપી છે. ધર્મના ભેદભાવ નહીં હોય એમ કહ્યું છે. આ ઉપરાંત, હવે ભાષાના નામે પ્રદેશવાદને ઉત્તેજન નહીં અપાય એવી આશા રાખીએ. `રાજ્યાભિષેક' પછી એમણે તરત જ લોકોના ઘરવપરાશ માટેની વીજળી-માં રાહત જાહેર કરી છે - અલબત્ત, જે લોકો 500થી ઓછી યુનિટ વીજળી વાપરતા હોય તેમને જ 200 યુનિટ વિનામૂલ્યે મળશે. ચૂંટણી પ્રચારમાં એમણે ઘણાં વચનોની લહાણી કરી હતી, જેમાં નવવધૂને આઠ ગ્રામની સોનાની લગડી અને નવા જન્મેલા બાળકને સોનાની વીંટી ભેટ આપવાની જાહેરાત કરી હતી. બાળકો શિક્ષણ અધૂરું છોડી જાય નહીં તે માટે માતાને વાર્ષિક $ 15 હજાર, યુવાનોને ચાર હજાર રૂપિયા બેકારી ભથ્થારૂપે અને મહિલાને 2500 રૂપિયા આપવાની જાહેરાત થઈ છે. ખેતમજૂરોને પણ સહાય અપાશે. આવાં તમામ વચનો રાજ્યાભિષેક પછી રાજા દ્વારા થતી લહાણી જેવાં છે!

નોંધપાત્ર બાબત છે કે મુખ્ય પ્રધાને રાજ્યના અર્થતંત્રની દુર્દશા બદલ પૂર્વ સ્ટાલીન સરકારને જવાબદાર ગણાવીને અર્થતંત્ર વિષે શ્વેતપત્ર - વ્હાઇટ પેપર બહાર પાડવામાં આવશે એમ પણ કહ્યું છે. પૂર્વ મુખ્ય પ્રધાન સ્ટાલીને જોસેફ વિજયના આક્ષેપને રદિયો આપ્યો છે. મુખ્ય પ્રધાન જોસેફ વિજય હજુ રાજાપાઠ અને રાજપાટના મિજાજ-ઠાઠમાઠમાં છે પણ એમની સામે પડકાર ઘણા છે. લોકોની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવાની છે : અને લોકોને ઉતાવળ, અધિરાઈ હોય તે સમજી શકાય છે. રાજકીય વિરોધીઓ - ડીએમકેના સ્ટાલીને નવી સરકારને છ મહિના સુધી નહીં પડકારવાની મુદત આપી છે... તે પછી?