પશ્ચિમ એશિયામાં યુદ્ધ ક્યારે બંધ થશે તેની કોઈ ગૅરંટી નથી. ઈરાન અને અમેરિકાએ જાણે દુનિયા આખીને બાનમાં લીધી હોય એવી સ્થિતિ છે. ક્રૂડ તેલનો પુરવઠો આસાનીથી વધે એમ લાગતું નથી. દુનિયાના મોટા ભાગના દેશોમાં ઊર્જાની કટોકટી છે. પેટ્રોલ - ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે ભારતમાં લોકો ઉપર વધુ બોજ પડે નહીં તેની સાવધાની સરકારે અત્યાર સુધી રાખી છે. ઘર વપરાશના ગૅસ સિલિન્ડરની અછત થાય નહીં અને ભાવ વધારવા પડે નહીં તે માટે કમર્શિયલ વપરાશના ગૅસ ઉપર પ્રથમ ભાવ વધારા થયા છે. અલબત્ત, તેની અસર લોકો ઉપર પડી રહી છે અને લોકોએ સમજદારીપૂર્વક આ સંજોગો સ્વીકાર્યા છે, પણ હવે અનિશ્ચિત સ્થિતિ હોવાથી વડા પ્રધાન મોદીએ સાત મહત્ત્વના મુદ્દા ટાંકીને અપીલ કરી છે. લોકો સ્વેચ્છાએ આ ક્ષેત્રમાં શિસ્ત જાળવીને સહકાર આપે એવી અપેક્ષા છે.
વડા પ્રધાને `અપીલ' કરી છે, ભાવવધારા જાહેર કરીને ફરજ પાડી નથી. એમણે વિદેશ
પ્રવાસ મુલતવી રાખવા, ખાદ્યતેલનો વપરાશ ઘટાડવા તથા ખાનગી વાહનોને બદલે પબ્લિક વાહનો
ઉપર આધાર રાખીને પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવાની, ખેડૂતોને કેમિકલ ખાતરનો ઉપયોગ ઘટાડવાની
અને લોકોને સોનાની ખરીદી નહીં કરવાની અપીલ કરી છે. આપણા વિદેશી હૂંડિયામણની બચત કરવા
માટે અપીલ છે.
પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલની આયાત પાછળ ધરખમ ખર્ચ થાય છે. સોનાની ખરીદી તો સતત
વધતી રહે છે. વર્ષ 2025-26માં પેટ્રોલ-ક્રૂડતેલની પેદાશોની ખરીદી માટે 173 બિલિયન ડૉલર
અને સોનાની ખરીદી પાછળ 71.9 બિલિયન ડૉલર વપરાયા છે. આપણે ફોરેન એક્સ્ચેન્જનો વેડફાટ
બંધ કરવાની જરૂર છે એટલું તો સમજવું અને સ્વીકારવું જોઇએ. વડા પ્રધાને સરળ ભાષામાં
સમજાવ્યું છે - ખાદ્યતેલનો વપરાશ ઘટાડાય તો આપણા સ્વાસ્થ્ય અને દેશના અર્થતંત્ર માટે
લાભ છે. કોવિડ વખતે ઘરબેઠાં વ્યવસાયનું કામ કરવાની ફરજ પડી હતી, કારણ કે મોતનો ભય હતો.
અત્યારે ભાવવધારાનો ભય ટાળવા માટે સ્વેચ્છાએ સહકાર આપવો જોઇએ.
તાજેતરમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યારે વાહનો પાછળ રાજકીય નેતાઓએ ધૂમ ખર્ચ
કર્યો ત્યારે કટોકટી યાદ આવી નહીં? એવી ટીકા થાય છે પણ લોકતંત્રમાં ચૂંટણી અનિવાર્ય
છે અને જો મુલતવી રખાઈ હોત તો પણ વિરોધ પક્ષોએ ટીકા-પ્રહાર કર્યા હોત. રાસાયણિક ખાતરનો
ઉપયોગ ઘટાડવો જોઇએ પણ આ વર્ષે ચોમાસુ નબળું જવાની આગાહી છે ત્યારે ખાતર ઘટાડવાની અપીલ
ખેડૂતોને ગળે ઊતરે એવી નથી.
સોનાની ભૂખ કદી ઓછી થતી નથી તેથી તેના ઉપર દંડાત્મક જકાત નાખ્યા સિવાય છૂટકો નથી. અલબત્ત, દાણચોરી ઉપર સખત જાપ્તો હોવો જોઇએ. ભૂતકાળમાં વિદેશી આક્રમણ થયાં ત્યારે લોકોએ સુવર્ણ અલંકારો સંરક્ષણ ભંડોળમાં આપ્યાં છે: એવી સ્વદેશી ભાવના આર્થિક કટોકટી ટાળવા માટે જગાવવી જોઇએ. સોનાની ભૂખ ભાંગવા માટે ચોવીસ કૅરેટના અલંકારોના સ્થાને કૅરેટ ઘટાડવાની તૈયારી હોય છે. અલબત્ત, ભાવવધારો અને લૂંટફાટ - આ બે મુખ્ય ડર હોય છે: અત્યારે વડા પ્રધાને અપીલ કરી છે ત્યારે સ્વેચ્છાએ સહકાર આપવો જોઇએ.
વિરોધીઓનું કામ છે વિરોધ કરવાનું પણ દેશના અર્થતંત્રની ચિંતા રાજતંત્ર કરતાં
વધુ મહત્ત્વની છે. વિદેશ પ્રવાસ મુલતવી રાખવાની સલાહ વિપક્ષના નેતાને સ્વીકાર્ય નથી
તો તેઓ રાબેતા મુજબ લાંબા વિદેશ પ્રવાસે જઈ શકે છે. અર્થતંત્ર નહીં, તો રાજતંત્રને
રાહત મળશે!