પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે - એમની ખાસિયત મુજબ નવો ‘ધડાકો’ કર્યો છે! ઈરાન સાથેની યુદ્ધવિરામ સમજૂતી બાજુએ રાખીને એમણે આરબ દેશો ઇઝરાયલ સાથે હાથ અને દિલ મિલાવે - અને આમ થાય તો ઈરાન સાથે આસાનીથી સમાધાન થઈ જાય - એમ તેઓ ભારપૂર્વક કહી રહ્યા છે. પ્રશ્ન એટલો જ છે કે ટ્રમ્પને અત્યારે આ નવો વિચાર ક્યાંથી અને કેમ આવ્યો? એક જવાબ શક્ય છે - કે અમેરિકાની ધમકીઓ સામે ઈરાન મચક આપતું નથી. ટ્રમ્પની સ્થિતિ ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી છે! ટ્રમ્પ માટે ઈરાન ગંભીર સમસ્યા છે. આક્રમણની ધમકી અને શક્તિપ્રદર્શન થાય છે પણ આક્રમણની હિંમત પાછળ કિંમત પણ છે! ઈરાન અમેરિકાના આરબ મિત્ર દેશો અને સૈનિક થાણાઓને તબાહ કરવાની ધમકી આપે છે ત્યારે ઈરાનીઓ એમના દેશ ખાતર શહીદ થવા તૈયાર ઊભા છે! આ સ્થિતિ અને સંજોગોમાં ટ્રમ્પ મૂંઝાયા છે. કારણ કે અત્યાર સુધી આગળ - ડ્રાઇવિંગ સીટમાં ઇઝરાયલ રહ્યું છે. યુદ્ધવિરામની દરખાસ્તનો પણ વિરોધ કરીને ઇઝરાયલે નારાજી પ્રદર્શિત કરી હતી. ટ્રમ્પ માટે હવે બાવાના બેય બગડે એવી શક્યતા છે તેથી એમણે નવી દિશા બનાવી છે. આરબ દેશો ઇઝરાયલ સાથે રાજદ્વારી, આર્થિક અને સંરક્ષણ સંબંધ શરૂ કરે...
આમ જોઈએ તો ટ્રમ્પનો આઇડિયા સારો છે! પશ્ચિમ એશિયામાં
શાંતિ સ્થપાય તો તે માટે યશ - અને મોટો એવૉર્ડ આપોઆપ ટ્રમ્પને મળે. પાકિસ્તાન અને મુનીરની
ભલામણ - સિફારિશની જરૂર રહે નહીં.
પણ કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. ટ્રમ્પની દરખાસ્તથી
આરબજગત ચોંકી ઊઠયું છે. ઇઝરાયલ સામે દાયકાઓ સુધી લડયા, હવે દોસ્તી કેવી રીતે થાય? પાકિસ્તાને
ઘસીને ના પાડી દીધી છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસીફે કહ્યું છે કે અમે અમેરિકાના
દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. અમારા સિદ્ધાંત, અમારી વિચારસરણીથી વિરુદ્ધ શરત અમારા માટે
અસ્વીકાર્ય છે. પાકિસ્તાને 78 વર્ષ સુધી ઇઝરાયલનો વિરોધ કર્યો છે - જે લોકોનો વિશ્વાસ
એક દિવસ માટે પણ થાય નહીં તેની સાથે દોસ્તી કેવી રીતે થાય?
આરબ દેશો તો સ્તબ્ધ થઈ ગયા છે. અવાક્ બની ગયા છે! ટ્રમ્પે
ટેલિફોન ઉપર વાત કરી ત્યારે સામેથી કોઈ જવાબ - હંકાર પણ નહીં આવ્યો ત્યારે ટ્રમ્પે
મજાક કરી કે સામે હજુ કોઈ છે ખરું? સાઉદી અરબ સહિત સૌનો મુદ્દો એક જ છે - પેલેસ્ટાઇનના
અલગ દેશને માન્યતા આપો અને રક્ષણની ખાતરી આપો - જે આપવા ઇઝરાયલ તૈયાર નથી.
2020માં ટ્રમ્પ પ્રથમ વખત પ્રમુખ બન્યા ત્યારે એમણે
‘અબ્રાહમ સમજૂતી’ કરાવી હતી. ઇઝરાયલ સાથે કેટલાક આરબ દેશો
યુએઈ, બેહરીન, મોરોક્કો અને સુદાને સંબંધ સુધાર્યા. હવે ‘અબ્રાહમ’ના
નામે અન્ય ઇસ્લામી દેશો - તુર્કી અને પાકિસ્તાન સહિત - ને જોડવા માગે છે. એટલું જ નહીં
ટ્રમ્પ એવા ‘હરખઘેલા’ થઈ ગયા છે કે કહે છે - ઈરાન પણ આમાં
આવી જાય તો અમેરિકા સાથે ‘ડીલ’ સોદો મોટો થઈ જશે. એમના ટીકાકારો
કહે છે દિવાસ્વપ્ન છે!
ટ્રમ્પની દરખાસ્ત - યોજના ઉપર સૌની નજર છે. ચીન અને
રશિયા વિશેષ કરીને ટ્રમ્પની ચાલ જોઈ રહ્યા છે. ટ્રમ્પ ઈરાનના વમળ અને ‘ચક્રવ્યૂહ’માંથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહ્યા છે. નાક બચાવવા અને ટાંગ
ઊંચી બતાવવામાં સફળતા મળશે?