• ગુરુવાર, 28 મે, 2026

એઆઇ વિશે પોપની ચેતવણી

આર્ટિફિશિયલ ઈન્ટલિજન્સ બાબતે છેક શરૂઆતથી જ વિશ્વને જે ભયસ્થાનો, આશંકાઓ અને અસમંજસ વર્તાયા છે, એના વિશે હાલમાં જ ચૌદમા પોપ લીઓએ પણ પોતાના સંદેશમાં ચિંતા વ્યક્ત કરી છે. કૅથોલિક ચર્ચના સર્વોચ્ચ વડા પોપ લીઓનું એઆઇ વિશે કહેવું છે કે, માનવજાતે પોતાના પર આવી સત્તા આ પહેલાં ક્યારેય અનુભવી નથી. આ સાથે જ તેમનું નિરીક્ષણ સચોટ છે કે, કોઈપણ અલ્ગોરિધમ યુદ્ધને નૈતિક દૃષ્ટિએ સ્વીકાર્ય બનાવી શકે નહીં તથા આજે વિશ્વના દેશો વચ્ચે વિવિધ મુદ્દે તણાવ અને સંઘર્ષ છે ત્યારે ટેક્નૉલૉજીનો ઉપયોગ વધુ સમજદારીપૂર્વક થવો જરૂરી છે. એઆઇનું નિઃશસ્ત્રીકરણ કરવા પર ભાર આપવા સાથે પોપે ચેતવણી આપી છે કે, એઆઇ સંચાલિત અૉટોમેશનમાં સરકારો હસ્તક્ષેપ નહીં કરે તો વ્યાપક બેરોજગારી, અસમાનતા તથા સામાજિક અસ્થિરતા સર્જાતાં વાર નહીં લાગે. વેટિકને હાલમાં જ રજૂ કરેલા કુલ 42,300 શબ્દોના મેગ્નિફિશન્ટ હ્યુમેનિટી નામના આ દસ્તાવેજમાં ડિજિટલ ગુલામીના જોખમ તરફ પણ આંગળી ચીંધી છે. આમ તો પોપ ધાર્મિક કે આધ્યાત્મિક વડા છે, પણ ભૂતકાળમાં અનેકવાર વિવિધ પોપે મહત્ત્વના મુદ્દાઓ જેમ કે રાજકીય તંત્ર, યુદ્ધો તથા રાષ્ટ્રીય નીતિઓ પર ટિપ્પણી કરી છે, પણ વર્તમાન પોપ લીઓ પોતાના અભિપ્રાયો કડક રીતે અને શબ્દો ચોર્યા વિના વ્યક્ત કરવા માટે જાણીતા છે.

પોપે આ દસ્તાવેજમાં જે પાંચ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી છે એમાં સૌથી મહત્ત્વનો છે - એઆઇનો ઉપયોગ મનુષ્યની મદદ માટે હોવો જોઈએ તેમનું સ્થાન લેવા માટે નહીં. આ ઉપરાંત, બિગ ટેક એટલે કે ટેક્નૉલૉજીના ક્ષેત્રની માંધાતા કંપનીઓની વધતી શક્તિ-સત્તા પર અંકુશ, મોટા પાયે અૉટોમેશન સામાજિક કટોકટી સર્જી શકે છે તથા સરકાર પોતાનું કામ એન્જિનિયરો અને  ટેક્નૉલૉજીના ભરોસે મૂકી ન શકે જેવી બાબતોની પણ તેમણે છણાવટ કરી છે. અત્યારના કાળમાં સૌથી સળગતા મુદ્દા એટલે એઆઇ આધારિત વૅપન સિસ્ટમ અંગેની તેમની ચિંતા અન્ય મુદ્દાઓ જેટલી જ યોગ્ય છે. મોટી સંખ્યામાં માનવોના જીવનના નિર્ણયો એઆઇના હવાલે ન કરી શકાય, કેમ કે મશીનને નૈતિકતા અને વિવેકનું ભાન હોતું નથી આથી આવા નિર્ણયો તેમને સોંપી ન શકાય એ વાત સો ટચના સોના જેવી છે. સરકારોએ આ દિશામાં આગળ વધતા પહેલાં વિચાર કરવો જોઈએ એવી હિદાયત પણ તેમણે આપી છે. પોપે આ પહેલાં ગાઝા સંઘર્ષ, યુક્રેન યુદ્ધ તથા વિદેશનીતિમાં ટકરાવ જેવા સાંપ્રત મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અસ્થિરતા અને મોતનાં વિષચક્રનો અંત લાવવાની વિનંતી તેમણે જુલમી સત્તાધીશોને કરી હતી, જેના પગલે ડોનાલ્ડ ટ્રમ્પે પોપ પર શાબ્દિક હુમલા કર્યા હતા.

એઆઇના નિઃશસ્ત્રીકરણની વાત કરતી વખતે પોપ ટેક્નૉલૉજીને ફગાવી દેવાની ભલામણ નથી કરતા. સાથે જ એ સમજવું પણ જરૂરી છે કે, એઆઇના પગપેસારાએ ઇન્ટરનેટ સાથે જોડાયેલી દરેક વ્યક્તિના ડિજિટલ સ્પૅસને જોખમમાં નાખી દીધી છે. માત્ર આર્થિક બાબતો નહીં, નૈતિકતા તથા સુરક્ષા સંબંધી મુદ્દાઓનો પણ એમાં સમાવેશ થાય છે. મશીનને માનવતા પર વર્ચસ જમાવવાની છૂટ આપી શકાય નહીં, એ પોપનો મુદ્દો સમયોચિત છે.