કેન્દ્રમાં એનડીએ સરકારની વિદાયની આગાહી કરતા અને દિવસો ગણતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આખરે પોતાના ઘરની ચિંતા થઈ ખરી. કર્ણાટકમાં મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર વચ્ચે ઘણા વખતથી જાહેરમાં વિવાદ થઈ રહ્યો હતો. શિવકુમારને મુખ્ય પ્રધાન બનવાની ઉતાવળ હતી અને સિદ્ધરામૈયા ખુરસી છોડવા તૈયાર ન હતા તેથી લોકો અને કૉંગ્રેસી વિધાનસભ્યો તમાશો જોઈ રહ્યા હતા. હવે ‘હાઈ કમાન્ડ’ને રાજકીય અસ્થિરતાનો અંદાજ આવ્યો તેથી બન્ને નેતાઓને નવી દિલ્હી બોલાવ્યા અને મુખ્ય પ્રધાનને સમજાવ્યા કે તમે રાષ્ટ્રીય તખતા ઉપર આવો. રાજ્યસભાની બેઠક પણ એમના માટે તૈયાર છે.
આખરે સિદ્ધરામૈયા મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપવા
અને નવી દિલ્હી આવવા તૈયાર થયા છે, પણ એમના આગમનથી કૉંગ્રેસમાં કેટલાક સુધારા કરવા
પડશે. રાજ્યસભામાં વિપક્ષી નેતા મિલ્લાકાર્જુન ખડગે છે અને રાજ્યસભામાં એમની મુદત પૂરી
થઈ રહી છે. સિદ્ધરામૈયા પણ ઓબીસી નેતા છે. કર્ણાટકના રાજકારણમાં એમના કુરુબા સમાજની
વગ છે તેથી એમને નારાજ કરવાનું પરવડે નહીં. આથી જ રાહુલ ગાંધીએ સમજાવ્યા કે ઓબીસી નેતા
નવી દિલ્હીમાં આવે તેની અસર-પ્રભાવ દેશભરમાં પડશે.
નોંધપાત્ર બાબત એ છે કે સિદ્ધરામૈયા રાજ્યના પ્રધાનમંડળમાં
ફેરફાર કરવાની યાદી લઈને આવ્યા હતા પણ તે વિષયની ચર્ચા થઈ નહીં; મોકો જ મળ્યો નહીં
તેથી નેતા પરિવર્તનનો નિર્દેશ મળી ગયો. એમને યથાવત્ રાખવાનો પ્રશ્ન જ ન હતો. કૉંગ્રેસ
હાઈ કમાન્ડને પણ તમાશો થાય નહીં તેની ચિંતા હતી તેથી એમના પુત્ર યથીન્દ્રને નવી કૅબિનેટમાં
સ્થાન આપવાની ખાતરી અપાઈ. આમ જાતિવાદ અને વંશવાદનો સ્વીકાર થયો છે.
શિવકુમાર મુખ્ય પ્રધાન બનશે પણ સિદ્ધરામૈયાને નારાજ
નહીં કરી શકે, કારણ કે વિધાનસભાના 108 સભ્યોનું સમર્થન અને વફાદારી એમની શક્તિ છે.
હવે જૂથબંધી થાય નહીં અને પૂર્વ મુખ્ય પ્રધાનના સમર્થકોને અન્યાય થાય નહીં તે જોવાની
જવાબદારી શિવકુમારની છે.