માર્ચ મહિનાથી અમેરિકા, ઇઝરાયલ-ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લીધે સમગ્ર વિશ્વનાં અર્થતંત્રની સામે પ્રશ્નાર્થ મંડાયો છે ત્યારે ભારતના આર્થિક મોરચે હજુ આશા યથાવત્ છે. ઈંધણના ભાવને કારણે મોંઘવારીની સ્થિતિ હવે બજારમાં દેખાઈ રહી છે પરંતુ આ પડકારોની વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાનો અહેવાલ અને દાવો છે. જોકે, યુદ્ધ અંગે સંપૂર્ણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ભવિષ્ય માટે મોટી આગાહીનો સમય નથી, પરંતુ વર્તમાન સંજોગોમાં ભારતીય અર્થતંત્રએ સ્થિતિ જાળવી રાખી છે.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ ભારતનો જીડીપી ગ્રોથ ઘટે
તેવી સંભાવના જાહેર કરી અને નાણાવર્ષ 2026-27 દરમિયાન વાસ્તવિક જીડીપી 6.6 રહેવાનું
અનુમાન છે. જે પહેલા 6.9 ટકા રહેવાની સંભાવના વ્યક્ત થઈ હતી. મિનિસ્ટ્રી અૉફ સ્ટેટેસ્ટિક
ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન તરફથી જાહેર થયેલા આંકડા અનુસાર 2025, 2026 દરમિયાન
ભારતનો વિકાસ દર 7.7 ટકા થઈ ગયો છે જેનું પૂર્વાનુમાન 7.1 ટકા હતું.
અૉક્ટોબરથી ડિસેમ્બર-2025ના ત્રિમાસિક વિકાસનો દર
8 ટકા હતો જેની સરખામણીમાં વાર્ષિક દર 7.8 ટકા ઓછો છે તેનું સ્પષ્ટ કારણ યુદ્ધની સ્થિતિ
છે. ખાડી યુદ્ધને લીધે સપ્લાય ચેઈનની ગતિ ધીમી પડી પરિણામે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો
વિકાસ 12.8 ટકાથી ઘટીને 7.3 ટકા પર પહોંચી ગયો. બાંધકામ ક્ષેત્રનો વિકાસ જોકે, 8માંથી
8.4 ટકા થયો. સર્વિસ સેક્ટરનો વિકાસદર વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 6.8થી વધીને
9.9 ટકા થઈ ગયો. આ રીતે અન્ય ક્ષેત્રોના દરમાં પણ વધારો થયો છે. ઉદ્યોગ ક્ષેત્રે જોકે
ઘટાડો થયો અને હૉટલ, ટ્રાન્સપોર્ટ તથા ટેલિકૉમ ગ્રોથ વધ્યો. નિષ્ણાતોની દૃષ્ટિએ અર્થતંત્ર
માટે આ સારી નિશાની છે.
આજ સ્થિતિ જળવાઈ રહે તે દેશ માટે આવકાર્ય છે, આવશ્યક
પણ છે. ગ્રોસ વેલ્યૂ એડેડ એટલે કે જીવીએનો દર 7.9 ટકા છે. જે આર્થિક ગતિવિધિઓની મજબૂતીનો
સંકેત આપે છે, પરંતુ વૈશ્વિક સ્થિતિ હજી પ્રવાહી
છે. સ્થાનિક જોખમો પણ છે, ઈંધણના ભાવમાં થઈ રહેલો વધારો સૌથી મોટું પરિબળ બની
શકે તેમ છતાં 2025-26નો વિકાસદર 7.7 ટકા થયો છે તે સારી બાબત છે.
અલબત્ત, સરકાર કે કોઈ એજન્સી દ્વારા જાહેર થતી વિગતો
ઉપર સંશય હોય નહીં પરંતુ આ આંકડાઓની વચ્ચે પણ વાસ્તવિક સ્થિતિ અલગ હોવાની સ્થિતિનો
ઇતિહાસ સાક્ષી છે. દેશમાં એલપીજી, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે તેની અસર તમામ ક્ષેત્રો
ઉપર થઈ રહી છે. આજે વિકાસદર જળવાયો છે તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તો તે ચોક્કસ સરકારની
સિદ્ધિ હશે.