ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દસ ડબાની ટ્રેનને હરિયાણાના જિંદ સ્ટેશને લીલી ઝંડી દેખાડી એ સાથે જ ભારત હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન ધરાવતા દેશોની યાદીમાં માનભેર સ્થાન પામ્યું છે. 2600 પ્રવાસીઓના પરિવહનની ક્ષમતા ધરાવતી 3200 હૉર્સપાવર હાઇડ્રોડજન ફ્યુએલ-સેલ પ્રોપ્યુલેશન સિસ્ટમથી સંચાલિત આ ટ્રેન કલાકના 110 કિ.મી.ની ઝડપે દોડી શકે છે. જોકે, શરૂઆતમાં તે જિંદ-સોનિપત વચ્ચે કલાકના 75 કિ.મી.ની મહત્તમ ઝડપે દોડશે. હાઇડ્રોજન આજે ઉપલબ્ધ ઈંધણોમાંથી સૌથી સ્વચ્છ ગણાય છે અને તેના કારણે ડીઝલ પરનો
મદાર ઘટાડવામાં
મદદ મળશે. ભારતીય રેલવેનું 99 ટકા નેટવર્ક ઈલેક્ટ્રિસિટી પર ચાલે છે અને હાઇડ્રોજન
સંચાલિત ટ્રેન અંતરિયાળ વિસ્તારોમાં પર્યાવરણની દૃષ્ટિએ સ્વચ્છ પરિવહનનો માર્ગ પ્રશસ્ત
થશે.
દેશની પ્રથમ હાઇડ્રોજન
સંચાલિત ટ્રેનનો આ પ્રોજેક્ટ અનેક કારણોથી મહત્ત્વનો છે. આ ટ્રેનની ડિઝાઈનથી લઈને એન્જિનિયારિંગ
તથા સંપૂર્ણ કામ ભારતમાં થયું છે, જે આપણી રેલવેના ઈજનેરી કૌશલ્યનું પ્રતાબિંબ ઝીલે
છે. ટ્રેનના ઉત્પાદન તથા ટેસ્ટિંગમાં રિસર્ચ ડિઝાઈન્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉર્ગેનાઈઝેશન
(આરડીએસઓ), ઈન્ટિગ્રેટેડ કૉચ ફૅક્ટરી (આઇસીએફ) તથા મેધા સર્વો ડ્રાઈવ્સનું સંયુક્ત
યોગદાન રહ્યું છે. અત્યારે વિશ્વમાં જર્મની અને ચીન આ બે દેશો જ હાઇડ્રોજન સંચાલિત
ટ્રેનો ધરાવે છે અને હવે ભારતનો સમાવેશ આ પંગતમાં થયો છે. ફ્રાન્સ અને ઈટલી આવી ટ્રેનોની
સેવા શરૂ કરવાના છે, તો જાપાન, અમેરિકા, યુકે અને દક્ષિણ કોરિયા જેવા દેશો હજી મોટા
ભાગે પાઇલોટ કે પ્રદર્શનના તબક્કામાં જ છે. ભારત જેવા દેશ માટે હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો
એકદમ યોગ્ય છે, કેમ કે એવા રૂટ જ્યાં ઈલેક્ટ્રિફિકેશન શક્ય નથી અથવા મોંઘું પડે એમ
છે ત્યાં આ ટ્રેનો આશીર્વાદરૂપ અને કિફાયતી સાબિત થઈ શકે છે. પહેલી હાઇડ્રોજન ટ્રેન
દોડાવવા માટે જિંદ-સોનિપત રૂટની પસંદગીનું કારણ પણ એ જ છે. અહીંનો પ્રમાણમાં ઓછો રેલ
ટ્રાફિક પાઇલોટ પ્રોજેક્ટ માટે આ રૂટને આદર્શ બનાવે છે. વિશ્વમાં જ્યાં પણ પેસેન્જર
હાઇડ્રોજન ટ્રેન દોડે છે ત્યાં બેથી ત્રણ પેસેન્જર કૉચ હોય છે, ભારતની દસ ડબાની ટ્રેન
એ રીતે વિશ્વની સૌથી લાંબી પણ છે. 12 સ્ટેશનો વચ્ચે દોડતી આ ટ્રેનની ટિકિટ પાંચ રૂપિયાથી
શરૂ થાય છે અને મહત્તમ દર પચીસ રૂપિયા છે.
હરિયાણાના વિરોધી
રાજકીય પક્ષોએ આ પ્રોજેક્ટ વિશે જાત-ભાતની કુશંકાઓ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે તથા
એકંદર ઊર્જા ખર્ચમાં કેટલી બચત થશે એવા સવાલો સાથે આ પ્રોજેક્ટ નાણાંનો વેડફાટ છે અને ટેક્નૉલૉજિકલી નિષ્ફળ જશે એવી વાતો શરૂ કરી છે.
હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનોને લઈને અનેક પડકારો પણ છે, કેમ કે આ વાયુ અત્યંત જ્વલનશીલ
છે. આથી, સલામતી સૌથી મોટો પડકાર છે. જોકે, હાઇડ્રોજન લીક ડિટેક્ટર, જ્યોત અને ધુમાડાને
ઓળખી કાઢતા સેન્સર્સ, સતત હવાની અવરજવર, અૉટોમેટિક શટડાઉન સિસ્ટમ, અગ્નિ સુરક્ષા પગલાં
જેવી તકેદારીઓ રાખવામાં આવી છે. હાઇડ્રોજનનું ઉત્પાદન કરતા એકમો, તેનો સંગ્રહ અને રિફ્યુએલિંગ
સ્ટેશન જેવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવી એ લાંબા ગાળાનાં આયોજનનો ભાગ છે. ભારતે હજી
આ દિશામાં પહેલું પગલું લીધું છે અને વૈકલ્પિક ઈંધણને લઈને સરકારના પ્રયાસોના આશય અંગે
શંકા કરવાનું કોઈ કારણ નથી. સ્વચ્છ અને પર્યાવરણની દૃષ્ટિએ સલામત ઈંધણનો માર્ગ લાંબો
છે અને આ તો હજી શરૂઆત છે.