હાઈ કોર્ટના આદેશને પગલે કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકાના શાસ્ત્રીનગર હૉસ્પિટલના ડૉક્ટરોની મારઝૂડ કરનારા નગરસેવક રમેશ મ્હાત્રેએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારતાં રાજ્યભરના ડૉક્ટરોએ એક દિવસ કામકાજ બંધ રાખવાનું આંદોલન પણ પાછું ખેંચી લીધું છે, અત્યારે તો આ વિવાદ પર બ્રૅક લાગી છે. જોકે, છેલ્લા પખવાડિયામાં આ આખા મામલામાં આવેલા ચડાવ-ઉતાર બાદ જે કંઈ થયું છે એનાથી આમઆદમીનો અદાલત તથા ન્યાય પ્રણાલી પરનો વિશ્વાસ દૃઢ થયો છે, પણ લોકપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોની દાદાગીરી અને જોહુકમી પર અંકુશ આવે એ માટે કાયમી નિયંત્રણ આવે એવું થાય એ અત્યંત જરૂરી છે. આ સાથે જ તબીબો અને ખાસ તો સરકારી હૉસ્પિટલમાં કાર્યરત ડૉક્ટરો તથા અન્ય કર્મચારીઓની સલામતીની દિશામાં આયોજન થાય એ પણ સમયની માગ છે. તંત્રની ઉદાસીનતા કે વ્યવસ્થાના અભાવે નાગરિકોના અસંતોષનો ભોગ તો છેવટે આ ડૉક્ટરો તથા કર્મચારીઓ જ બને છે. એમાંય કેટલાક કિસ્સામાં તો લોકપ્રતિનિધિઓ જ કાયદો હાથમાં લેતા હોય ત્યારે તબીબો પાસે કોઈ વિકલ્પ જ રહેતો નથી. રાજ્યભરના ડૉક્ટરોએ એક દિવસના આંદોલનની જાહેરાત કરી એની સ્યુઓ મોટો નોંધ લેતા બૉમ્બે હાઈ કોર્ટે નગરસેવક રમેશ મ્હાત્રેના જામીન રદ કર્યા અને તેઓ શરણે નહીં આવે તો તેમની સંપત્તિ જપ્ત કરવી એવો આદેશ આપ્યો. શરણાગતિ સ્વીકારવા માટે આપેલી મુદતમાં મ્હાત્રે પોલીસ સામે હાજર થયા અને કોર્ટની વિનંતીને પગલે ડૉક્ટરોએ પણ આંદોલન પાછું ખેંચ્યું.
ગત નવમી જુલાઈએ એક ગર્ભવતી મહિલા ડોંબિવલીની શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં આવી, તેની સ્થિતિ ગંભીર હતી. પણ હૉસ્પિટલમાં જરૂરી તબીબી સુવિધાઓ અને શિશુ માટેના એનઆઇસીયુમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી તેને અન્ય હૉસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી. આ મહિલાના સંબંધીઓએ સ્થાનિક નગરસેવકનો સંપર્ક કર્યો અને હૉસ્પિટલવાળા દાખલ કરવાની ના પાડે છે, એવી ફરિયાદ કરી. શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે તરત હૉસ્પિટલ પહોંચ્યા અને ફિલ્મી સ્ટાઈલમાં ડૉક્ટર અને કર્મચારીઓ જોડે બાખડી પડ્યા અને મહિલા કર્મચારીઓ સહિત તબીબોની મારઝૂડ શરૂ કરી. ઘટનાની સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ અને મામલો ચગ્યો. રમેશ મ્હાત્રેએ નાદુરસ્ત તબિયતનું બહાનું કરી જામીન મેળવ્યા. હૉસ્પિટલમાં એનઆઇસીયુમાં બેડ કેમ નથી, જરૂરી ઉપકરણો શા માટે નથી અને ડૉક્ટરો તથા કર્મચારીઓની સંખ્યા અપૂરતી શા માટે છે, એવા સવાલ પૂછવાનો નગરસેવકને અધિકાર છે, પણ જઈને મારામારી કરવી એ કેટલું યોગ્ય છે? તેમને ખરેખર દરદીઓની પરવા હતી તો તેઓ જ્યાંથી વર્ષોથી ચૂંટાય છે, એ વિસ્તારની આ હૉસ્પિટલની દરકાર પહેલેથી રાખી શક્યા હોત અને આ મુદ્દે પાલિકા તંત્રનું ધ્યાન દોરી ઘટતું કરાવી શક્યા હોત, પણ તેમણે રસ્તો લીધો હીરોગીરીનો. હાઈ કોર્ટે આ મામલાની લીધેલી નોંધ અને આદેશને પગલે દાખલો બેઠો છે, પણ કાયમી ધોરણે જ્યાં સુધી કશું નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ અટકશે નહીં અને દેવદૂત ગણાતા તબીબોની દશા સુધરશે નહીં.