મુંબઈના એક સુધરાઈ સભ્યે હૉસ્પિટલમાં ડૉક્ટર અને અન્ય કર્મચારીઓની મારપીટ કરી હોવાની ફરિયાદ અદાલતમાં છે ત્યારે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની સેનાના એક પૂર્વ સંસદસભ્ય વિનાયક રાઉતનાં પુત્રવધૂ અને એમના પુત્ર ગીતેશ વિનાયક રાઉત સામે એમની પત્ની ગિરિજાએ ગંભીર આક્ષેપો કરીને પોલીસ ફરિયાદ કરી છે. ગિરિજાની ફરિયાદ છે કે ત્રણ `બાબા'ઓ - ફિરોઝબાબા, કાઝીબાબા અને હરીશ્ચન્દ્ર ઘાડીએ એમના ઉપર અઘોરી પ્રયોગ કરીને ત્રાસ આપ્યો છે. આ ત્રાસ આપવામાં એમનાં સાસુ શામલ રાઉત અને પતિ ગીતેશ પણ જોડાયાં હતાં. જબરદસ્તીથી કેટલીક દવાઓ આપવામાં આવતી હતી પરિણામે એમના સ્વાસ્થ્ય ઉપર વર્ષોથી ગંભીર અસર પડી છે.
ગિરિજાના કહેવા અનુસાર તેની સારી નોકરી છોડાવીને પતિએ એમની ટ્રાન્સપોર્ટ કંપનીમાં બેસાડી હતી. પતિ રોજના 17-18 લાખ રૂપિયા ઘરે લાવતો હતો. પતિ સતત મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કરી છે. ગીતેશ કહે છે કે છૂટા થવા માટે ગિરિજાએ કરોડો રૂપિયા માગ્યા છે! આ કેસમાં પત્નીને પીડા આપવા ઉપરાંત મની લૉન્ડરિંગનો આક્ષેપ પણ છે ત્યારે સંસદસભ્ય સંજય રાઉત કહે છે કે આ કેસને રાજકીય રંગ નહીં આપવો જોઈએ.
આ મામલો પત્નીને હેરાન કરવાનો છે, તેના પર જાદુટોણા કરવાનો છે કે શ્રીમંત પતિ પાસેથી રૂપિયા ખંખેરવા માટે તેમની સામે ફરિયાદ નોંધાવી પત્નીનો ઈરાદો બ્લૅકમેલ કરવાનો છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. વિનાયક રાઉતે પોતાના બચાવમાં કહ્યું છે કે હું રાજકીય પરિવારમાંથી આવું છું અને રાજકીય રીતે સક્રિય પણ છું ત્યારે વિરોધીઓએ મારી સામે કાવતરું ઘડયું છે. રાજકીય રમત રમાઈ રહી છે. આજે કંઈ નહીં કહું પણ થોડા દિવસોમાં કહીશ કે કાવતરાની પાછળ કોણ છે, એનો કોની સાથે સંબંધ છે એ પુરાવા સાથે જણાવીશ. પત્ની ખોટું બોલી રહી છે કે વિનાયક રાઉત એ ભવિષ્યમાં આ મામલાની તપાસ થયા બાદ કેસ આગળ વધ્યા બાદ કોર્ટનો ચુકાદો આવશે ત્યાર બાદ જાણી શકાશે.
શિવસેનાના કલ્યાણ-ડોમ્બિવલીના નગરસેવક રમેશ મ્હાત્રેએ કલ્યાણની એક હૉસ્પિટલમાં ડૉક્ટરની મારપીટ કરવાની ઘટના બની હતી, જેમાં નગરસેવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલામાં પણ રમેશ મ્હાત્રેએ પોતાના બચાવમાં કહ્યું છે કે તેણે ડૉક્ટર પર હાથ નથી ઉગામ્યો. નગરસેવકની વાત સાચી છે કે નહીં તે પોલીસની તપાસ પૂરી થયા બાદ જ સ્પષ્ટ થશે. આ બંને કેસ સત્તાધારી શિવસેના એકનાથ શિંદે અને વિરોધી પક્ષના ઉદ્ધવ ઠાકરે સાથે સંકળાયેલા છે એટલે તેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે અને વિરોધી પક્ષો આ બનાવોની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે.