મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના ભંગાણ પછી એકનાથ શિંદે ઉદ્ધવ સેનાના સંસદસભ્યોને ખેંચી લેવામાં સફળ થયા છે ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં બંને ગ્રુપની એકતાના પ્રયાસ વિવાદના વંટોળમાં ફસાયા છે. અજિતદાદાએ મૃત્યુ પહેલાં જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષની એકતા થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. એમના અવસાન પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત યોજીને ચર્ચા કરી રહ્યા હતા. અચાનક સુનીલ તટકરેનું નિવેદન આવ્યું કે વાટાઘાટ બંધ થઈ છે! આ પછી સુપ્રિયા સુળે કહે છે કે તે જ દિવસથી અમે અમારો રસ્તો પકડયો. આત્મસમ્માન અમારું પણ છે! જો સામા જૂથને એકતા ખપતી હોય નહીં તો તે એમની ઇચ્છા છે!
આમ અત્યારે તો
રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં એકતા થવાની શક્યતા દેખાતી નથી - પણ સુનેત્રાના સુપુત્ર પાર્થને
રાજ્યસભાનું સભ્યપદ મળ્યા પછી પક્ષમાં ગણગણાટ અને ખેંચતાણ શરૂ થઈ છે! પાર્થ હજુ બિનઅનુભવી
છે અને પક્ષની બાબતોમાં દખલગીરી કરી રહ્યા છે, નીતિવિષયક નિર્ણય લઈ રહ્યા છે એમ કહીને
એમની નેતાગીરી સામે સવાલ અને શંકા ઉઠાવાય છે.
વાસ્તવમાં રાજધાની
નવી દિલ્હી પણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસની એકતાનો ઇંતેજાર કરે છે. એકતા થાય અને એનડીએમાં
જોડાય અથવા સમર્થન આપે એવી શક્યતા વધી છે. રાષ્ટ્રવાદી નેતાઓ પણ કહે છે કે એનડીએ સાથે
સંપર્ક જારી છે.
સુપ્રિયા સુળેએ
પણ કહ્યું છે કે અમે સીમાંકન ખરડાને ટેકો આપવા તૈયાર છીએ પણ તમામ રાજ્યોને લોકસભાની
બેઠકોમાં એકસમાન પચાસ ટકાનો વધારો મળવો જોઈએ.
એનડીએ અત્યારે
ગમે તે શરતે કે ભોગે ખરડા પસાર કરવા માગે છે તેથી સમાધાન થવાના સંજોગો ઊજળા છે. દરમિયાન
રાજધાનીમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં સુધારા-વધારા થવાની ચર્ચા છે. રાષ્ટ્રવાદીને પ્રતિનિધિત્વ
મળે તો પ્રફુલ પટેલનો સમાવેશ થશે. પાર્થ પવારનું નામ ચર્ચામાં છે પણ રાષ્ટ્રવાદીને
એનડીએના સંપર્કમાં લાવનારા પ્રફુલ પટેલ રહ્યા છે તે નોંધપાત્ર પાસું છે.