• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

વંદે માતરમ્ અને રાજકારણીઓ

વંદે માતરમ્ મુદ્દે વિવાદ અને રાજકારણ અટકવાનું નામ લેતાં નથી. સ્વતંત્રતા દિને કૉન્ગ્રેસના મુખ્યાલયમાં ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમ્ ચાલી રહ્યું હતું એ દરમિયાન કૉન્ગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધી તેને વચ્ચે અટકાવવા પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધી તથા અન્યોને ઇશારો કરતાં હોય એવા વીડિયોને કારણે નવેસરથી ચર્ચા શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટી આ હરકતને પગલે કૉન્ગ્રેસ પર દેશભરમાં પસ્તાળ પાડી રહી છે. કૉન્ગ્રેસ દ્વારા બચાવ એવો થઈ રહ્યો છે કે, ખડગે કાર્યક્રમમાં લાંબા સમયથી ઊભા હતા, આથી સોનિયાજી તેમના માટે ખુરશી લાવવા માટે ઇશારો કરી રહ્યાં હતાં. જોકે, 1937થી કૉન્ગ્રેસનું વલણ રહ્યું છે કે, વંદે માતરમ્ ગીતના પહેલા બે અંતરા જ વગાડવામાં આવે કેમ કે પછીની કડીઓમાં દુર્ગા, લક્ષ્મી તથા સરસ્વતીનું વર્ણન આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે હાલમાં જ રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમમાં સુધારો કરી વંદે માતરમ્ને પણ રાષ્ટ્રગાન જન ગણ મન જેવું જ સંરક્ષણ અપાવ્યું છે. 

વંદે માતરમ્ ગીત વાગી રહ્યું હતું એ દરમિયાન સોનિયા ગાંધીના ઇશારા અને અન્ય એક વીડિયો જેમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે, વંદે માતરમ્ કા હમારા વર્ઝન બજેગા...ને પગલે સર્જાયેલો વિવાદ કૉન્ગ્રેસ દ્વારા પૂર્ણપણે ટાળી શકાય એવો હતો. વંદે માતરમ્ હવે આખું વગાડવું-ગાવું એવો ફેરફાર કાયદામાં થયા બાદ પણ દેશના સૌથી જૂના રાજકીય પક્ષના નેતાનું આ વલણ ખરેખર અસ્વીકાર્ય છે. આનાથી તો, ભાજપની વાત ફરી સાબિત થાય છે કે, કૉન્ગ્રેસને પોતાની લઘુમતી વોટ બૅન્કની ચિંતા વધુ છે અને દેશ કરતાં તેઓ પક્ષને પહેલા મૂકે છે. વંદે માતરમ્ ગીતના પહેલા બે અંતરામાં તો ભારતના પ્રાકૃતિક સૌંદર્ય-વૈવિધ્યના ગુણગાન છે, છતાં તેને લઈને આટલાં વર્ષો ધર્મના નામે વિવાદ પોષવામાં આવ્યો. વંદે માતરમ્ની રચનાના 150મા વર્ષે આ ગીતની ગરિમાને જાળવવાની દિશામાં લેવાયેલું પગલું તો જ સાર્થક ગણાશે જો સૌ કોઈ તેને ઘટતું માન આપે. કૉન્ગ્રેસ વિરોધ પક્ષમાં રહીને ઘણું બધું ભૂલી ગયો છે અને વિરોધ કરવામાં દેશના ગૌરવનું અપમાન ન થાય એ યાદ રાખવું જરૂરી છે.