• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

અધિકાર ક્ષેત્રની લક્ષ્મણરેખા

કાયદાના વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાની કાનૂની સત્તા બાર કાઉન્સિલ અૉફ ઈન્ડિયા (બીસીઆઈ) પાસે નથી એવી ટિપ્પણી કરી દેશની સર્વોચ્ચ અદાલતે વૈધાનિક સંસ્થાને તેના અધિકાર ક્ષેત્ર અને લક્ષ્મણરેખા બન્નેનું ભાન કરાવી દીધું છે. થોડા દિવસ પહેલાં નાલસાર યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભ માટે ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને આમંત્રિત કરાયા હતા. સીજેઆઈ સૂર્યકાંતની હાજરીના વિરોધમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું. બાર કાઉન્સિલ અૉફ ઈન્ડિયાએ આની ગંભીર નોંધ લેતા કઠોર ભૂમિકા અપનાવતા 2026માં પદવી મેળવનાર કાયદાના વિદ્યાર્થીઓની વકીલ તરીકે થનારી નોંધણી રોકવાનો આદેશ રાજ્યોની બાર કાઉન્સિલ્સને આપ્યો. આટલેથી અટકતા વિદ્યાર્થીઓની તપાસ કરવાના નિર્દેશ પણ આપ્યા. આવું થાય તો વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક અને વ્યાવસાયિક ભાવિ બન્ને મુશ્કેલીમાં આવી પડે. દેખીતી રીતે મામલે વિદ્યાર્થીઓએ અદાલતમાં ધા નાખી. સર્વોચ્ચ અદાલતમાં ખુદ સીજેઆઈ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનની ખંડપીઠ સામે અરજી આવી અને તેમણે બાર કાઉન્સિલના આદેશને રદ કરવા સાથે કડક શબ્દોમાં ટીકા પણ કરી. ઍડવોકેટ્સ ઍક્ટ, 1961નો હવાલો આપતા ખંડપીઠે કહ્યું કે - ઍડવોકેટ તરીકે સત્તાવાર જેમની નોંધણી થઈ હોય એવી વ્યક્તિઓ સામે પગલાં લેવાં બાર કાઉન્સિલના કાર્યક્ષેત્રમાં છે, વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીનો આદેશ આપી કાઉન્સિલે લક્ષ્મણરેખા ઓળંગી છે.

કાયદાના વિદ્યાર્થીઓ બાર કાઉન્સિલના દાયરાની બહાર હોય તો તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો સવાલ ક્યાં ઊભો થાય છે? અધિકાર સંબંધિત શિક્ષણસંસ્થા અથવા યુનિવર્સિટીના હાથમાં હોવાની સ્પષ્ટતા કરતા ખંડપીઠે વૈધાનિક સંસ્થાઓને તેમના અધિકારો અને સામાન્ય નાગરિકો પર તેના દુરુપયોગના મુદ્દે નવેસરથી ચર્ચા છેડી છે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદમાં બાર કાઉન્સિલની કોઈ ભૂમિકા નથી. શા માટે કાઉન્સિલ બિનજરૂરી હસ્તક્ષેપ કરી રહી છે? યાદ રહે, ચીફ જસ્ટિસે અદાલતમાં કરેલી એક ટિપ્પણીમાંના કોક્રોચ શબ્દને ઉપાડી લઈ કોક્રોચ જનતા પાર્ટીની સ્થાપના થઈ અને પછી નીટ પેપર લીકના મુદ્દાને લઈ પક્ષે નવી દિલ્હી તથા દેશભરમાં દેખાવો-ધરણા-પ્રદર્શન કર્યાં. આમ છતાં, જસ્ટિસ સૂર્યકાંતે કાયદાને સર્વોચ્ચ મહત્ત્વ આપી વિદ્યાર્થીઓની તરફેણ કરી છે તેનાથી ન્યાયતંત્રમાં જનતાનો વિશ્વાસ દૃઢ થયો છે. જોકે, સૂર્યકાંતે ખોટી અરજીઓ કરી અદાલતનો સમય બગાડનારાઓ માટે કોક્રોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનું ખોટું અને મનગમતું અર્થઘટન કરી યુવાનોને કોક્રોચ કહેવાયા છે, એવો માહોલ ઊભો કરાયો હતો. આશય અરાજકતા ઊભી કરવાનો હતો, પણ પહેલા સરકારે સમજદારીપૂર્વક કામ લઈ અને પછી સર્વોચ્ચ અદાલતે પણ યોગ્ય નિર્ણયો દ્વારા ખોટા આંદોલનની હવા કાઢી નાખી છે. બાર કાઉન્સિલને પડેલી લપડાક પણ યોગ્ય છે, કેમ કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈપણ પ્રકારે ચેડાં અયોગ્ય છે.