• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

અંતરિક્ષ ક્ષેત્રની અફવા નિવારવાનું મિશન

અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રની વિશ્વ સ્તરના સંસ્થાન `ઈસરો- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર અૉર્ગેનાઈઝેશન'નું નિજીકરણ થઈ રહ્યું છે તેવા સમાચારે ધરતી ઉપર હલચલ મચાવી દીધી. જોકે, વાતનું વતેસર થાય તે પૂર્વે કેન્દ્ર સરકારે તેની સ્પષ્ટતા કરીને કહી દીધું છે કે `આવું કંઈ થવાનું નથી, માત્ર અફવા છે.' આજે નહીં, ઘણાં વર્ષોથી દેશમાં સરકારી એકમો-સંસ્થાઓના કંપની રૂપાંતરણ કે ખાનગીકરણનો જે પ્રવાહ ચાલ્યો તે જોતાં આવી વાત ક્યાંયથી પણ આવે તો તે ઝડપથી ફેલાય અને સંબંધિતોમાં તેના માટે વિરોધ પણ ઊઠે તેમાં આશ્ચર્ય નથી. તેમાં પણ `ઈસરો' જેવું અનેક દૃષ્ટિથી મહત્ત્વનું સંસ્થાન હોય તો સાવ સામાન્ય લોકોના કાન પણ સરવા થાય

સ્પેસ સેક્ટરના રેગ્યુલેટરી બોડી `ઈન-સ્પેસ'ના ચૅરમૅન પવનકુમાર ગોયન્કાએ એક કાર્યક્રમમાં કરેલું નિવેદન ચર્ચાસ્પદ પ્રકરણના મૂળમાં છે. તેમણે કહ્યું કે `ઈસરો' ભવિષ્યમાં નિયમિત `લોન્ચ વ્હીકલ' અને `સેટેલાઈટ' બનાવવાનું પરંપરાગત કામ નહીં કરે, પરંતુ `પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ'ને કામ સોંપવામાં આવશે, જેથી ઈસરો અદ્યતન સંશોધનો ઉપર ધ્યાન વધારે આપી શકે. વાત એક તણખો સાબિત થવાની હતી અને તેની જ્વાળા દેખાઈ કર્મચારીઓના વિરોધરૂપે. `ઈસરો'નાં નવ કેન્દ્રના મુખ્ય કર્મચારી સંગઠનોએ ઈસરોના અધ્યક્ષ અને અંતરિક્ષ વિભાગના સચિવ વી. નારાયણનને પત્ર લખ્યો હતો. પોતાની નોકરીની સલામતીની સાથે કર્મચારીઓ-વિજ્ઞાનીઓએ એવી પણ દલીલ કરી કે રોકેટ અને ઉપગ્રહ નિર્માણ `ઈસરો'ની મુખ્ય ઓળખ અને તાકાત છે. ખાનગી હાથોમાં કામ અપાય નહીં

ભયસ્થાનો ખોટાં નથી. `ઈસરો'નું કાર્ય તો બહુઆયામી છે, જેમાં દેશની વિજ્ઞાન ક્ષેત્રની પ્રગતિ ઉપરાંત આપણી વ્યૂહાત્મક અનેક બાબતોનો પણ સમાવેશ થાય. વિશ્વ સ્તરે ભલે `નાસા' બહુ મોટું કામ કરે, પરંતુ ભારતમાં `ઈસરો' અને `િફઝિકલ રિસર્ચ લૅબોરેટરી' જેવી સંસ્થાનોએ દાયકાઓથી નોંધપાત્ર કામ કર્યું છે. મંગળ, ચંદ્રયાન જેવા પ્રકલ્પોમાં `ઈસરો'નું યોગદાન છે તો આરંભિક વર્ષોમાં દૂરદર્શન, ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સહિતનાં કાર્યોમાં પણ પાયાનું કામ કર્યું. હરિકોટા, અમદાવાદ સહિતનાં કેન્દ્રોની નોંધપાત્ર કામગીરી સ્વતંત્ર ભારતના ઇતિહાસનો અગત્યનો હિસ્સો છે. કોઈ બૅન્ક, અન્ય કોઈ ઉદ્યોગ કે ટેલિકોમ-ઊર્જાક્ષેત્રના એકમનું ખાનગીકરણ અને `ઈસરો'ના ખાનગીકરણમાં ફેર છે.

જોકે, કેન્દ્ર સરકારે તરત કહ્યું કે, `ઈસરો'નું ખાનગીકરણ કરવાનો કોઈ ઈરાદો કે આયોજન નથી. આવી વાતોને તેમણે ભ્રામક ગણાવીને કહ્યું કે `ઈસરો' અંતરિક્ષ ક્ષેત્રની પ્રમુખ સંસ્થા રહેશે. જૂની ટેક્નૉલૉજીના રોકેટ, સામાન્ય ઉપગ્રહો વારંવાર બનાવવાનું જે કામો વર્ષોથી `ઈસરો' કરતું આવ્યું છે તે હવે ખાનગીક્ષેત્રને સોંપાશે. `ઈસરો'નું અસ્તિત્વ ખતમ થવાનો સવાલ નથી, તે વધારે મજબૂત બનશે. વૈશ્વિક `સ્પેસ ઇકોનોમી'માં ભારતનો હિસ્સો વધે તે પણ લક્ષ્ય છે. 2030 સુધીમાં દર વર્ષે 50 `સ્પેસ લોન્ચિંગ' કરવાનો ઈરાદો છે, અત્યારે વર્ષે 8થી 10 લોન્ચિંગ થાય છે