• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

બાંગ્લાદેશી માંકડોનાં મોઢાં

ભારતીય ઉપખંડમાં યુવાનો અને જેન-ઝીમાં સરકાર વિરુદ્ધ ઉકળતા અસંતોષના ચરુએ શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા પરિવર્તન કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હવે ભારતમાં પણ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ પહેલા નીટ પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે અને હાલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની બરતરફી માટે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનો અને વિરોધ પ્રદર્શન તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે અને તેની સામે વાંધો ન હોવો જોઈએ. પણ, જેમ શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સામે આવ્યું છે કે, સત્તાપલટાના એકમાત્ર આશય સાથે બાહ્ય પરિબળોના દોરીસંચાર અને ટેકાથી આંદોલનો થયા હતા. હવે, બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરવાદી સંગઠનના સાથી પક્ષ નેશનલ સિટિઝન પાર્ટી (એનસીપી)ના કન્વીનર નાહિદ ઇસ્લામે સીજેપી દ્વારા નવી દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ટેકો જાહેર કર્યો છે. તો, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રધાન અને કટ્ટર ભારતવિરોધી મોહમ્મદ યુનુસના ભૂતપૂર્વ સલાહકાર આસિફ નઝરૂલે તો એવું નિવેદન આપ્યું છે કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પડતીનો સાક્ષી બનવાની રાહ જોઈ રહ્યો છું. આ ગંભીર બાબત છે, કેમ કે બાહ્ય પરિબળો ભારતની સ્થિતિ પર ટિપ્પણી કરી જેન-ઝીના આંદોલન પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગે છે. આસિફ નઝરૂલે મોદી વિરુદ્ધ ઝેર ઓકતાં કહ્યું છે કે, મોદી સરકાર પડશે તો પરિવર્તન આવશે, મુસ્લિમ-વિરોધ રાજકારણને મોટો ઝટકો લાગશે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુ એક મિત્ર ગુમાવશે અને વિશ્વ તથા સમાજમાંની અસમાનતા કદાચ ઘટી જશે. બાંગ્લાદેશની સરખામણીએ ભારતની સરકારે જેન-ઝી આંદોલનોને બહુ સારી રીતે હાથ ધર્યા છે અને આથી ભારતમાં સત્તાપરિવર્તનની મુરાદ બર ન આવતા બાંગ્લાદેશી માંકડોને હવે મોઢાં આવ્યાં છે.

બાંગ્લાદેશના વિદ્યાર્થી આંદોલનો અને શેખ હસીનાની સરકારના પતન પછી મોહમ્મદ યુનુસને રખેવાળ સરકાર તરીકે ધુરા સોંપવામાં કઈ વિદેશી સત્તાનો હાથ હતો એ જગજાહેર છે. બાહ્ય નાણાં અને મદદથી હસીનાને ઊથલાવવામાં સફળતા મળ્યા બાદ આ તત્ત્વો ભારતમાં પણ અરાજકતા સર્જાવાનાં સપનાં જોઈ રહ્યાં છે. યુવાનોનો આક્રોશ સાચો છે અને તેમની માગણીઓ પણ મહદઅંશે યોગ્ય છે. પણ, તેમને હાથો બનાવી દેશમાં અંધાધૂંધી ફેલાવવા માગતાં તત્ત્વો રાજકીય આશયથી પ્રેરિત છે. આ જ પેટર્ન ભારતના પાડોશી દેશોમાં સફળતાપૂર્વક અજમાવાયા બાદ હવે ભારતમાં અસ્થિરતા ફેલાવવાના આશયે ધમાલ થઈ રહી છે. વિરોધ પ્રદર્શનો આગામી સમયમાં તીવ્ર બનશે, એમાં શંકા નથી અને આના કારણે મોદી સરકારની કસોટી પણ થવાની છે. જોકે, બાહ્ય હસ્તક્ષેપને પહોંચી વળવા ભારત સજ્જ છે, ખરી સમસ્યા ઘરના ઘાતકીઓની છે અને અત્યારે તેમની સંખ્યા ખાસ્સી વધુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક