2022માં ડિજિટલ અરેસ્ટની 39,925 ફરિયાદો દેશભરમાં નોંધાઈ હતી, જે 2024માં વધીને 1,23,672 સુધી પહોંચી હતી અને એકલા 2024ના વર્ષમાં જ આશરે રૂા. 1935 કરોડ આ સાયબર સ્કૅમ દ્વારા ધુતારાઓએ લોકો પાસેથી લૂંટી લીધાનો આંકડો ઇન્ડિયન સાયબર ક્રાઈમ કો-અૉર્ડિનેશન સેન્ટરે સર્વોચ્ચ અદાલતને આપ્યો છે. ડિજિટલ અરેસ્ટના વધતા કેસને કારણે સર્વોચ્ચ અદાલતની નારાજગીનો અંદાજ આ આંકડા પરથી આવે છે. જાગરૂકતા અભિયાન તથા આ બાબતના સમાચારો નિયમિત પ્રકાશિત થતા હોવા છતાં સાયબર ગઠિયાઓએ ડરને પોતાનું શસ્ત્ર બનાવી લોકોને છેતરી લૂંટવાનું ચાલુ રાખ્યું છે. જોકે, સર્વોચ્ચ અદાલતે આ બાબતમાં અન્ય એક પાસા તરફ ધ્યાન ખેંચી દેશમાંની બૅન્ક્સને પણ જવાબદાર બનાવવાની તથા આ પ્રકારની છેતરાપિંડીનો ભોગ બનેલાઓને બૅન્કે પૂરેપૂરું વળતર આપવાનો ઉપાડેલો મુદ્દો સમયોચિત છે. બૅન્કો-ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ અથવા તેમના કર્મચારીઓ યોગ્ય તકેદારી રાખવામાં નિષ્ફળ રહ્યા હોય અને તેના કારણે કોઈ ગ્રાહક સાયબર છેતરાપિંડીનો ભોગ બને એવા કિસ્સામાં આ સંસ્થાઓને જવાબદાર ઠેરવી શકાય છે, એવી મહત્ત્વની વાત ચીફ જસ્ટિસ અૉફ ઇન્ડિયા સૂર્યકાંત તથા જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની ખંડપીઠે કરી છે.
ડિજિટલ લેવડ-દેવડનું
પ્રમાણ વધી રહ્યું છે, આવામાં બૅન્કો તથા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટની જવાબદારી પણ વધી
જાય છે. રિઝર્વ બૅન્કે પણ સાયબર છેતરાપિંડીના પીડિતો માટે નવા નિર્દેશો જાહેર કર્યા
છે, જેમાં આવા સ્કૅમનો શિકાર બનતા લોકોને આર્થિક વળતર આપવાની જોગવાઈ છે. કોઈ એક ખાતામાંથી
અસાધારણપણે મોટી રકમનો ઉપાડ થાય ત્યારે બૅન્ક કેમ કોઈ પગલું લેતી નથી? એવો સવાલ સર્વોચ્ચ
અદાલતે ઉપસ્થિત કર્યો છે. સિંગાપોરમાં શંકાસ્પદ જણાતી નાણાકીય લેવડ-દેવડ રોકવાની વ્યવસ્થા
બૅન્ક ધરાવે છે, તો યુકેમાં પણ કોઈ ઉપાડ વિશે શંકા જણાય તો બૅન્ક એને થોડા સમય માટે
અટકાવી શકે છે. ભારતમાં આવી કોઈ વ્યવસ્થા કે માળખું નથી. ખાસ તો સિનિયર સિટિઝન ગ્રાહકોના
ખાતાને આવી સુરક્ષા આપવાની જરૂર છે. વળી, ડિજિટલ ઉચાપતમાં ગઠિયાઓ કોઈકના ખાતાનો ઉપયોગ
કરે છે, આવું બૅન્કના કર્મચારીઓની સંડોવણી વિના શક્ય નથી, આથી અદાલતે બૅન્કોને સતર્કતા
વધારવાની હિદાયત આપી છે. વળી, ગ્રાહકોના ડેટાના સંરક્ષણ જેવી બાબતો પણ ગંભીરતાથી લેવાય
એ આવશ્યક છે. ચોરનારની ચાર આંખ એવી કહેવત છે, પણ ડિજિટલ ઉઠાવગીરો ચારસો આંખ ધરાવે છે
અને તેમની રીત-રસમ સતત બદલાતી રહે છે. આથી તેમનાથી એક ડગલું આગળ રહેવા માટે સહિયારા
પ્રયાસો જ એકમાત્ર ઉપાય છે.