ડિસ્ટ્રિબ્યુટર, કેમિસ્ટ અને હૉસ્પિટલ્સને સહિયારો હિસ્સો નવમી નવેમ્બરથી 137 જેટલી કૅન્સરની દવાઓની મહત્તમ છૂટક વેચાણ કિંમતમાં 30 ટકાથી વધુ ન હોઈ શકે એવી ટોચમર્યાદા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ અૉથોરિટીએ (એનપીએએ) બાંધી છે, જે કૅન્સરના દરદીઓ અને તેમના પરિવારજનો માટે એક બહુ મોટી રાહત છે. આનું કારણ એ કે સ્તન કૅન્સરની એક દવાની 21 કૅપ્સ્યુલ્સના પતાકડા માટે હૉસ્પિટલો રૂા. 40,421 રૂપિયા વસૂલતા હતા, તે હવે વધુમાં વધુ માત્ર રૂા. 2720માં ઉપલબ્ધ થશે. આ તો એક ગોળી-દવાની વાત થઈ, ભારત સરકારે લીધેલા આ નિર્ણયથી અત્યાર સુધી દરદીઓની થતી ઉઘાડી લૂંટ પર અંકુશ આવશે. જરા કલ્પના કરો એક તો કૅન્સર જેવી બીમારીને કારણે દરદી અને તેના પરિવાર પર માનસિક રીતે બહુ મોટી અસર થતી હોય છે અને તેમાં લાંબી સારવાર અને મોંઘી દવાઓને કારણે અનેક લોકો દેવાના ડુંગર તળે દબાઈ જતાં હોય છે અને કૅન્સરમાંથી સાજા થઈ ગયા બાદ નવો પડકાર તેમની સામે મોઢું ફાડી ને ઊભો રહી જાય છે. તો, ઘણા લોકો કૅન્સરની સારવારના ખર્ચના ભયે બહુ મોડું કરી નાખતા હોય છે, તો અનેક કિસ્સા એવા પણ સામે આવ્યા છે, જેમાં દવાઓ લેવાનું બંધ કરી દે છે. 170 ટકા જેટલો ગાળો રાખી દવાઓનું વેચાણ કરતી હૉસ્પિટલો પર અંકુશ આવે તો જ આ નિર્ણયનો લાભ દરદીઓને મળે એમ છે અને છતાં વચેટિયાઓ પર જ આ નિર્ણયની અસર થવાની છે, એ ન ભુલાય.
કૅન્સર એટલે કેન્સલ એવું વિજ્ઞાને કરેલી પ્રગતિને પગલે આજે ભલે ન રહ્યું હોય તોય કૅન્સરની સારવાર હજી પણ અનેક લોકોની પહોંચ બહાર જ છે. કૅન્સરની જે 137 દવાઓ પર વચેટિયાઓના માર્જિનને 30 ટકા જેટલું મર્યાદિત કરાયું છે, એ ઉપરાંત પણ એવી દવાઓ છે, જે સામાન્ય માણસની પહોંચની બહાર છે, ખાસ કરી ને નવી થેરેપી કે તેની દવાઓ તથા પેટન્ટેડ ડ્રગ્સની કિંમતો હજી પણ ઊંચી જ છે. દાખલા તરીકે, ઈમ્યુનોથેરપીની કીટ્રુડા નામની દવાની એક વાયલ રૂા. 2.16 લાખ છે, તો ફેફસાંના કૅન્સરની દવા ટેગ્રિસોની 30 ટેબ્લેટ ચાર લાખ રૂપિયાની થાય છે. સરકારનાં પગલાંથી વચેટિયાઓના માર્જિન પર અંકુશ આવ્યો છે, ઉત્પાદકોએ નક્કી કરેલી કિંમત પર નહીં. આથી ઉત્પાદકો દ્વારા ઘાલમેલની શક્યતા રહે છે. આ સાથે જ એ વાતનું ધ્યાન પણ રાખવું ઘટે કે નવા સંશોધનો અને દવાઓના ઉત્પાદન પાછળ ફાર્મા કંપનીઓને મોટા ખર્ચ કરવા પડતા હોય છે, આથી બધાને એક લાકડીએ હંકારી શકાય નહીં. આવું કરવાથી કેટલીક મોંઘી દવાઓની ચોક્કસ ક્ષેત્રમાં અછત સર્જાઈ શકે છે અને તેના કારણે કાળાબજાર શરૂ થાય તો આખી કવાયતનો અર્થ માર્યો જાય એમ છે. પૅટન્ચથી રક્ષિત દવાઓના જેનરિક વિકલ્પો બનાવી શકાતા નથી. સમસ્યા જટિલ છે, પણ તેમાં શરૂઆત સારી થઈ છે.