બાગેશ્વર ધામના યુવાન ધીરેન્દ્ર શાત્રીએ રામ અને કૃષ્ણની સરખામણી કરીને ભૂલ કરી છે. મધ્યપ્રદેશમાં એક રામકથા દરમિયાન એમણે કૃષ્ણના નામ, શરીર અને લીલા - અર્થાત્ એમના જીવન વિશે ટીકા કરવાની જરૂર ન હતી છતાં રામના ધામ અયોધ્યા અને કૃષ્ણના વૃંદાવનની સરખામણી કરી. શ્રીકૃષ્ણ ઊભા હોય ત્યારે એમના પગ `ચોકડી'માં હોય છે, કમર વક્ર અને ચહેરો પણ ત્રાંસો હોય છે! વાંસળી વગાડવાનો શોખ એક `ખેલ' છે - જ્યારે શ્રીરામ ધનુષધારી છે એમના માટે ધનુષ `ખેલ' નથી. વાંસળી તો કોઈપણ વગાડી શકે!
બાબા ધીરેન્દ્ર શાત્રી પ્રખર ધાર્મિક વક્તા છે. પ્રવચનકાર - કથાકાર તરીકે ખ્યાતનામ છે પણ રામ અને કૃષ્ણના નામે મજાક કરીને એમણે ગંભીર ભૂલ કરી છે. આ વિષય ઉપહાસનો નથી આસ્થાનો છે અને હરિ તથા `હર'ના ભક્તો વચ્ચે ઊભા કરવામાં આવેલા વિવાદ હવે શાંત થઈ ગયા છે ત્યારે રામ-કૃષ્ણનો વિવાદ જગાવનારા બાબા - વળી કોણ છે? આખરે એમણે ઠાકોરજીની ક્ષમાયાચના કરી છે કે એમનો ઈરાદો ટીકા કરવાનો ન હતો.
પણ સમાજવાદી પાર્ટીના અખિલેશ `યાદવ' છે અને યાદવકુળના કૃષ્ણના ઉપહાસ વિરુદ્ધ મેદાનમાં ઊતર્યા છે. ધીરેન્દ્ર શાત્રીનું બહાનું ભાજપ વિરોધ માટે મળ્યું છે! અયોધ્યા અને મથુરા - ઉત્તર પ્રદેશમાં જ છે પણ ચૂંટણીમાં અયોધ્યાના રામ કરતાં યાદવકુળના શ્રીકૃષ્ણનાં અપમાનનો મુદ્દો બનાવાઈ રહ્યો છે.
આપણા રાજકીય નેતાઓ ચૂંટણીના વિવાદમાં ભગવાનને પણ છોડતા નથી! થોડા દિવસ અગાઉ તેલંગણાના કૉંગ્રેસી મુખ્ય પ્રધાને કહ્યું કે ઉત્તર ભારતના રામ તો `રાજા' છે - ઉચ્ચ વર્ગ અને ધનવાનોના ભગવાન છે જ્યારે આપણા ભોલેનાથ શિવશંકર તો ગરીબોના દેવ છે! આમ કહીને વિવાદ જગાવવાની શું જરૂર હતી? માત્ર ઉત્તર-દક્ષિણના વિવાદમાં રામ અને શિવનો ઉપયોગ કરવો છે. પણ મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડીને જ્ઞાન-ભાન નથી - અથવા ભૂલી ગયા છે કે શ્રીરામે લંકા ઉપર આક્રમણ કરવા પહેલાં રેતીનું શિવલિંગ બનાવીને - રામેશ્વરની સ્થાપના - પૂજા કરી હતી.
તામિલનાડુમાં અલગ પ્રકારનો સેક્યુલરવાદ છે! શિવપંથીના નામમાં `શિવશંકર' હોય અને `સ્વામી'ની આગળ રઘુરામ હોય જ. દ્રવિડ નેતાઓ રાવણને મહાન માને છે અને `રાવણાયન' વાંચે છે! છતાં સનાતન ધર્મનાં વિશ્વ વિખ્યાત મંદિરો તામિલનાડુમાં છે. રાજકીય નેતાઓ તમિળભાઈ-લોકોને પૂરા નાસ્તિક બનાવી શક્યા નથી. ડીએમકેની પૂર્વ સરકારના - મુખ્ય પ્રધાન સ્ટાલીનના પાટવી કુંવર ઉદયનિધિએ સનાતન ધર્મને કૅન્સર સાથે સરખાવીને ઝુંબેશ ચલાવી - પણ અત્યારે સત્તાથી દૂર ફેંકાઈ ગયા છે!