• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

હુઆંગનું કમબૅક અને અમેરિકનોના કમભાગ

અગિયાર દિવસમાં જ એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ વિલનમાંથી હીરો બની ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, હુઆંગને કોઈ ચીની કંપની ઉપાડી લે એ ચિંતા મને હતી અને આમ પણ તેમણે કંપની, દેશ તથા પોતાના પરિવાર અને પત્નીની માફી માગી લીધી છે, કરવું જોઈએ એ બધું થઈ ગયું છે. વળી, ટ્રમ્પે સામે ચાલીને સફાઈ આપી છે કે, હુઆંગને કારણે રાષ્ટ્રીય સુરક્ષા સામે કોઈ જોખમ નથી અને તેમણે કોઈ ગેરકાયદે કૃત્ય કર્યાના કોઈ પુરાવા પણ નથી કે તેમની સામે કોઈ ફોજદારી મામલો પણ નથી. હુઆંગના પુનરાગમનને અમેરિકન શૅરબજારે પણ વધાવી લેતાં એનવીડિયાના શૅરના ભાવમાં 35 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો. આ આખા ઘટનાક્રમથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે, અમેરિકાના મહાસત્તા તરીકેના વર્ચસના હાર્દમાં ટેક્નૉલૉજી-એઆઇ છે અને અમેરિકન શૅરબજારની અફરાતફરી અને એઆઇનો ફુગ્ગો ફૂટી રહ્યો છે એવી દહેશતના માહોલ વચ્ચે ટ્રમ્પ અત્યારે તો આ ક્ષેત્રને જીવતદાન અપાવવામાં સફળ રહ્યા છે. ટ્રમ્પ વ્યક્તિગત રીતે એનવીડિયાનું સ્ટૉક હૉલ્ડિંગ ધરાવે છે અને હુઆંગના પરત ફરવાના સમાચાર પછી કંપનીના શૅરના મૂલ્યમાં આવેલા ઉછાળાને પગલે પંદર લાખ મિલિયન ડૉલર જેવો નફો થયો છે. 

ટ્રમ્પ ભલે દુહાઈઓ આપે કે, એઆઇ રેસમાં ચીન અમેરિકાથી આગળ નીકળી ન જાય એ માટે ચિપ્સ અને સેમિ-કન્ડક્ટરનો ગઢ અમેરિકન કંપનીઓએ સાચવવો પડશે, પણ ખરી વાત એ છે કે, ટ્રમ્પનું એનવીડિયામાં વ્યક્તિગત મૂડીરોકાણ બહુ મોટું છે અને એઆઇ તથા ક્રીપ્ટોકરન્સી તેમના મતે બે મોટાં ક્ષેત્રો છે અને હુઆંગ આ બન્ને બાબતોમાં ટ્રમ્પના સલાહકાર છે. તો, વાઈસ પ્રેસિડન્ટ વાન્સ સિલિકોન વૅલીમાંના હુઆંગના સૌથી મોટા સમર્થકો અને ચાહકોની નિકટ છે અને એનવીડિયાના ટોચના સંચાલકો તથા અન્યો સાથે વાટાઘાટો કરવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. ટ્રમ્પ વહીવટે ચીનને પાછળ રાખવા માટે એવી નીતિઓ ઘડી છે, જે અમેરિકન ટેક્નૉલૉજી માંધાતાઓને (એનવીડિયા ઉપરાંત માઈક્રોસૉફ્ટ, એમેઝોન, ગૂગલ, મેટા, ઓપન એઆઇ અને ઍન્થ્રૉપિક) માફક આવે. કોઈપણ સંસ્થા કે કંપનીમાં કોઈપણ પદને નિયમો કે જવાબદારીઓથી ઉપર ગણી શકાય નહીં અને અહીં તો રાષ્ટ્રીય સુરક્ષાનો પણ સવાલ છે. ચીની મહિલા જાસૂસ સાથેના સંબંધો અને તેની કંપનીના માધ્યમથી ચીન સુધી પહોંચેલી ચિપ્સને નજરઅંદાજ કરી ટ્રમ્પ ચીનને એઆઇની રેસમાં આગળ વધવા ન દેવાનાં બણગાં ફૂંકે છે. હિતોના ટકરાવનો સીધો મામલો હોવા છતાં ટ્રમ્પ આ આખા પ્રકરણમાં ખુદની પીઠ જાતે જ થાબડી રહ્યા છે. ડેટા સેન્ટરને આપેલા આવા જ ટેકાને કારણે મધ્યસત્ર ચૂંટણીમાં તેમના પક્ષની બૂરી વલે થયા બાદ અને વહીવટી તંત્રમાંના અને પક્ષમાંના અનેક લોકોનો વિરોધ હોવા છતાં ટ્રમ્પે કોઈ શીખ લીધી હોય એવું લાગતું નથી.    

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ