• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

રાજીવ ગાંધી હત્યા : જવાબદાર કોણ?

ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ શકે તે માટે એમની વિશેષ સલામતી વ્યવસ્થા બંધ - રદ કરવામાં આવી હતી? રાહુલ ગાંધીએ એમના પિતાની હત્યા માટે તત્કાલીન વિરોધ પક્ષોને જવાબદાર લેખાવ્યા છે.

વર્ષ 1991માં 21મી મેના રોજ ચેન્નાઈ નજીક શ્રી પેરુમ્બદુર ખાતે શ્રીલંકાના તમિળ ટાઈગરોના આત્મઘાતી બૉમ્બધડાકામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી એ પહેલાં 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા એમના અંગરક્ષકોએ કરી હતી. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ભરાયેલા અલગતાવાદી નેતા ભીંડરણવાલેના આતંકવાદીઓ સામે ભારતીય સેના દ્વારા ``બ્લૂ સ્ટાર'' અૉપરેશનની મંજૂરી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આપી હતી. તેનો બદલો લેવા શીખ અંગરક્ષકોએ હત્યા કરી હતી. જ્યારે રાજીવ ગાંધી સામે શ્રીલંકાના તમિળ ટાઈગર - અલગતાવાદીઓને વેર હતું. રાજીવે એમને મદદ કરવાને બદલે ત્યાંની સરકારને સમર્થન આપ્યું હોવાની ફરિયાદ હતી - તેનો બદલો લીધો હતો!

પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ આટલા દાયકાઓ પછી આ `ધડાકો'  કેમ ર્ક્યો? પંજાબ વિધાનસભાની ચૂંટણી માથાં ઉપર છે અને ઇન્દિરાજીની હત્યા પછી દિલ્હી અને ઉત્તર ભારતમાં શીખ વિરોધી રમખાણ થયાં, હજ્જારો શીખોની કત્લેઆમ થઈ ત્યારે રાજીવ ગાંધીએ એવું કહ્યું હતું કે ``મોટું વૃક્ષ પડે ત્યારે આસપાસની જમીન ધ્રૂજે...'' આ ઘટના પંજાબના ચૂંટણી પ્રચારમાં તાજી થઈ છે અને શીખ કોમનો આક્રોશ કૉંગ્રેસ સામે હોવાથી રાહુલ ગાંધીને સલાહ મળી હોય અને એમણે પિતાની હત્યા બદલ વિરોધ પક્ષોની સરકારને જવાબદાર ગણાવવાનો પ્રયાસ ર્ક્યો હોય એમ મનાય છે.

રાહુલ ગાંધીએ પરિવાર સાથેની ચર્ચામાં આવી વાત - કરી અને હવે જાહેરમાં આવી છે પણ ઇતિહાસની હકીકત જુદી છે. 1988માં રાજીવ ગાંધી વડા પ્રધાન હતા. એમની સરકારે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ - એસપીજી - ઍક્ટ પસાર કર્યો હતો અને તેમાં માત્ર વડા પ્રધાનના રક્ષણની જોગવાઈ હતી, પૂર્વ વડા પ્રધાન માટે રક્ષણની જોગવાઈ ન હતી. 1989માં રાજીવ ગાંધીએ સત્તા ગુમાવી અને વી. પી. સિંહ વડા પ્રધાન બન્યા. 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે કેન્દ્રમાં ચન્દ્રશેખરની સરકાર હતી. તે પછી નરસિંહરાવ વડા પ્રધાન હતા અને એમણે એસપીજી ઍક્ટમાં સુધારો કરીને પૂર્વ વડા પ્રધાન તથા તેમના નજીકના પરિવારને પાંચ વર્ષ સુધી સુરક્ષા વ્યવસ્થા આપી - સોનિયાજી, રાહુલ અને પ્રિયંકાને આ રક્ષણ મળ્યું અને મુદત વધારીને દસ વર્ષની કરવામાં આવી.

આ હકીકત જોતાં રાહુલ ગાંધીનો `આક્ષેપ' બિનપાયાદાર અને રાજકારણથી પ્રેરિત હોય તે શકય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ