ઉપવિજેતા ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે: કુલ ઇનામ રાશિ 31.4 કરોડ
દુબઇ, તા. 26 : ભારત અને અૉસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઇનલની વિજેતા ટીમને 1.6 મિલિયન ડૉલર એટલે કે 13.21 કરોડ રૂપિયા ઇનામ રૂપે મળશે. જ્યારે રનર્સ-અપ ટીમને 6.પ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. આઇસીસી આજે શુક્રવારે ઇનામ રાશિની ઘોષણા કરી છે. જે કુલ મળીને 3.8 મિલિયન ડૉલર એટલે કે 31.4 કરોડ રૂપિયા હશે. ગત ડબ્લ્યુટીસી સિઝનની ઇનામ રાશિમાં આઇસીસીએ કોઇ વધારો કર્યોં નથી.
2019-21 સિઝનની ડબ્લ્યૂટીસી ચેમ્પિયન ન્યુઝીલેન્ડની ટીમને 13 કરોડ રૂપિયાનું ઇનામ અને ચમકતી ગદા (ટ્રોફી) મળી હતી. જો ફાઇનલ મેચ ડ્રો રહે તો બન્ને ટીમ વચ્ચે એકસમાન ઇનામી રકમની વેંહચણી કરવામાં આવે છે અને ગદા પર સંયુકત રીતે આપવામાં આવે છે. ડબલ્યૂટીસી ફાઇનલ મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર તા. 11 જૂનથી રમાવાનો છે.
ડબલ્યૂટીસી સિઝનમાં ત્રીજા સ્થાને રહેનાર દ. આફ્રિકાની ટીમને 3.5 કરોડનું ઈનામ મળશે. ચોથા સ્થાન પરની ટીમ ઇંગ્લેન્ડને 2.8 કરોડ, પાંચમા નંબરની ટીમ શ્રીલંકાને 1.6 કરોડ મળશે. આ પછી અનુક્રમે ન્યુઝીલેન્ડને 82 લાખ રૂપિયા, બાંગાલદેશને 82 લાખ અને વેસ્ટ ઇન્ડિઝને 82 લાખ રૂપિયા આઇસીસી તરફથી મળશે.