• શનિવાર, 04 મે, 2024

આર્થિક ડેટાની રાહે સોનામાં સાંકડી વધઘટ  

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 21 : વૈશ્વિક સોનાનો ભાવ ગુરૂવારે ઉંચો ગયો હતો. જોકે પ્રમાણમાં ચુસ્ત રેન્જમાં વેપારો થયા હતા.રોકાણકારો ફેડરલ રિઝર્વના આગામી નાણાકીય પગલા પર વધુ સ્પષ્ટતા માટે અમેરિકાના આર્થિક ડેટાની રાહ જોતા હતા. ન્યૂયોર્કમાં શુધ્ધ સોનાનો ભાવ 0.2 ટકા વધીને 2033 ડોલર પ્રતિ ઔંસ હતું. જ્યારે ચાંદી 0.3 ટકા વધીને 24.20 ડોલર હતી.

જો સપ્તાહે અમેરિકાના આર્થિક ડેટા મજબૂત આવે અને ફેડ ટૂંક સમયમાં વ્યાજદર ઘટાડવાનું શરૂ કરશે તો સોનાના ભાવમાં વધારો થશે. પરંતુ મજબૂત આંકડાના કિસ્સામાં ફેડ લાંબા સમય સુધી દરો વધારે રાખે તેવી શક્યતા છે. અમેરિકાના 10 વર્ષના યીલ્ડ બોન્ડ બુધવારે પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. રોકાણકારો અમેરિકાના ત્રીજા કર્વાટરના જીડીપી રિપોર્ટ અને શુક્રવારના રોજ જાહેર થનારા આર્થિક આંકડાની રાહ જોઈ રહ્યા છે. જેથી સોનાના ભાવ સાંકડી વધઘટમાં રહે છે.

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 62700 ઉપર સ્થિર હતો. મુંબઈમાં રૂ. 33ના મામૂલી વધારામાં રૂ. 62335 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 73500 ઉપર જળવાયેલી અને મુંબઈમાં રૂ. 808 વધીને રૂ. 74550 હતી.