• શનિવાર, 27 એપ્રિલ, 2024

રણબીર કપૂર તિરંદાજી શીખે છે

બૉલીવૂડ ફિલ્મમેકર અને દિગ્દર્શક નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ રામાયણ છાશવારે કોઈને કોઈ કારણે ચર્ચાનું કારણ બની રહી છે. ફિલ્મની કાસ્ટિંગને લઈને અવારનવાર નવી અપડેટ આવતી હોય છે ત્યારે આ વખતે રણબીર કપૂર શ્રીરામનું પાત્ર ભજવવા માટે કરી રહેલી તૈયારી વિશે અપડેટ મળી છે. કહેવાઈ રહ્યું છે કે, રણબીર કપૂરે ભગવાન રામના પાત્રને ન્યાય આપવા માટે વૉઈસ મોડયુલેશન અને ડિક્શન ટ્રેનિંગ લીધી છે અને હવે તે તિરંદાજી શીખી રહ્યો છે. રણબીર કપૂર ક્રીન પર ભગવાન રામના પાત્રને પરફેક્ટ દર્શાવવા માગતો હોવાથી તે શૂટિંગ શરૂ થવા પહેલાં તેણે તૈયારીઓ શરૂ કરી છે. કહેવાઈ રહ્યું છે કે, જ્યારે રણબીરને આ ફિલ્મ અૉફર કરવામાં આવી અને તેણે હા પાડી ત્યારથી તે શાકાહારી બની ગયો છે અને ચહેરા પર નેચરલ ગ્લો દેખાડવા માટે મેડિટેશન અને યોગા પણ શરૂ કર્યા છે. ફિલ્મ સંબંધિત સત્તાવાર જાહેરાત મેકર્સ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે કરવામાં આવશે. અગાઉ માર્ચ મહિનાના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરવાના સમાચાર વહેતા થયા હતાં. જોકે, ફિલ્મ સંબંધિત કેટલીક આંતરિક સમસ્યાઓ સર્જાતા ફિલ્મના શૂટિંગને પાછળ ઠેલવવામાં આવ્યું છે. આથી દર્શકોને નિતેશ તિવારીની રામાયણ માટે થોડી વધુ રાહ જોવી પડશે. ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામનું પાત્ર ભજવશે. સાઉથ ફિલ્મોની અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતા, સની દેઓલ હનુમાન, રવિ દુબે લક્ષ્મણ અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે.