• શનિવાર, 27 એપ્રિલ, 2024

ચંદુ ચૅમ્પિયન માટે કાર્તિકે લીધી બૉક્સિંગની તાલીમ  

બૉલીવૂડના પ્રતિભાશાળી અભિનેતા કાર્તિક આર્યન હાલમાં બૉલીવૂડનો વ્યસ્ત અભિનેતા બની ગયો છે. તેને એક પછી એક ફિલ્મો મળી રહી છે. કાર્તિક આર્યન ભુલભુલૈયા થ્રીમાં આવવાનો છે. ઉપરાંત, તેનું નામ આશિકી થ્રી માટે પણ ફાઈનલ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજ સાથે પણ તેણે એક ફિલ્મ સાઈન કરી છે ત્યારે કે પોતાની આગામી ફિલ્મ ચંદુ ચૅમ્પિયનની તૈયારીઓમાં પણ વ્યસ્ત છે. 

ફિલ્મના પાત્ર માટે કાર્તિકે 14 મહિના સુધી બૉક્સિંગની તાલીમ મેળવી હતી. પહેલી વાર કાર્તિક બાયોપિક ફિલ્મમાં કામ કરવાનો છે ત્યારે ફિલ્મ પેરાલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. પાત્રને ન્યાય આપવા માટે કાર્તિકે કડક ફિટનેસ શેડયુલ બનાવ્યું હતું. માટે તેણે 20 કિલો વજન ઓછું કર્યું હતું. તેણે પોતાના ડાયટમાંથી સાકરને પૂર્ણપણે કાઢી નાખી હતી. ફિલ્મ બહુ મોટી માનવામાં આવી રહી છે. તેનું શૂટિંગ ભારત અને યુનાઈટેડ કિંગ્ડમમાં કરવામાં આવ્યું છે.

પહેલી વાર કાર્તિકને પોતાના પાત્ર માટે ફિઝિકલ એક્સપેરિમેન્ટ કરવાની તક મળી છે. કબીર ખાનના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ 14મી જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ થયું છે.