• શનિવાર, 27 એપ્રિલ, 2024

અદિતિ રાવ હૈદરીએ બૉયફ્રેન્ડ સાથે કર્યા ગુપ્ત વિવાહ  

બૉલીવૂડમાં હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ તેના લૉન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર અદિતિ અને સિદ્ધાર્થે તેલંગણાના રંગનાથ સ્વામી મંદિરમાં પરિવારની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન માટે તામિલનાડુથી પુજારીઓને બોલાવવામાં આવ્યા હતા અને પારંપારિક રીતરિવાજથી બંનેનાં લગ્ન થયાં હતાં. અદિતિ અને સિદ્ધાર્થ પોતાની લાઈફને પર્સનલ રાખવા માગતા હોવાથી તેમણે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરી નથી.

નોંધનીય છે કે અદિતિ શાહી પરિવારથી સંબંધ ધરાવે છે. તેના નાના વાનાપર્થી સંસ્થાનમના છેલ્લા શાસક હતા. અદિતિ અકબર હૈદરીની પ્રપૌત્રી છે. તેના દાદા મોહમ્મદ સાલેહ અકબર હૈદરી આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા. મહત્ત્વની વાત પણ છે કે અદિતિ અને સિદ્ધાર્થના બીજા લગ્ન છે. પહેલાં અદિતિના લગ્ન સત્યદીપ મિશ્રા સાથે થયાં હતાં પણ બંનેના સંબંધોમાં ખટાશ આવતાં છૂટાછેડા થયાં હતાં. સિદ્ધાર્થના પણ પહેલા લગ્ન નિષ્ફળ રહ્યાં હતાં.

અદિતિ અને સિદ્ધાર્થની પહેલી મુલાકાત વર્ષ 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ `મહાસમુદ્રમ' ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારબાદ બંને છાશવારે એકબીજા સાથે જોવા મળ્યાં હતાં. ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્નબંધને બંધાવાનો નિર્ણય લીધો હતો. અદિતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની મહત્ત્વાકાંક્ષી વેબ સિરીઝ હીરામંડીમાં દેખાશે. ઉપરાંત, તેની પાસે ગાંધી ટૉક્સ અને લિયોનેસ જેવા પ્રોજેક્ટ્સ પણ પાઈપલાઈનમાં છે.