• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

રચના મિત્રીએ પુરવાર કરી દિગ્દર્શનની કુશળતા  

સ્ટાર ભારત પરથી પ્રસારિત થતી સિરિયલ ના ઉમ્ર કી સીમા હોમાં અભિનેત્રી રચના મિત્રી મુખ્ય નાયિકા છે. તેણે પોતાના પાત્ર દ્વારા દર્શાવી દીધું છે કે પ્રેમમાં ઉંમર જોવાની ન હોય. સામાજિક માપદંડને તોડીને આ સિરિયલની જોડી લગ્ન કરે છે. સિરિયલના આગામી ટ્રેકના એક દૃશ્યનું દિગ્દર્શન રચનાએ કર્યું હતું. આ વિશે વાત કરતાં રચનાએ જણાવ્યું હતું કે, આગામી ટ્રેકના એક દૃશ્યમાં હું ચાલતી હોઉં ત્યારે પગને ફિલ્માવવાના હતા, પણ સૂર્ય પ્રકાશ પડતો હોવાથી તે શૉટ લઈ શકાતો નહોતો. સ્થિતિ એવી પેદા થઈ કે તે દૃશ્ય રદ કરવું અથવા મારે તેનું શૂટિંગ કરવું. કૅમેરાનું વજન પચીસ કિલો હતું અને તેમાં કિંમતી કૅમેરાને નુકસાન થવાનો પણ ભય હતો. આમ છતાં મેં નિર્ણય કર્યો કે હું કૅમેરાને સંભાળવા સાથે શૂટિંગ કરીશ. દિગ્દર્શકે મને કૅમેરો પકડીને તેના વજનને અનુભવી જોવાનું કહ્યું હતું. ત્યાર પછી તેમણે મારા પર વિશ્વાસ મૂકીને શૂટિંગ કરવાની પરવાનગી આપી અને હું તેમની કસોટીમાં ખરી ઉતરી. સામાન્ય રીતે હું કૅમેરાની સામે હોઉં છું પણ તે દિવસે મને જાણ થઈ કે કૅમેરાની પાછળ કેટલી મોટી ટીમ હોય છે અને તેમાં કેટલી મહેનત કરવી પડે છે. કૅમેરો ખભા પર લઈને પરફેક્ટ દૃશ્ય લેવા સંઘર્ષ કરતા કૅમેરામૅનની કિંમત પણ મને સમજાઈ હતી. મને આ શૂટિંગ કરવું ખૂબ ગમ્યું હતું.