• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

મારી દીકરીની હાલત માટે હૉસ્ટેલનાં બે મહિલા અધિકારી જવાબદાર : પીડિતાના પિતાનો આક્ષેપ

મરીન ડ્રાઇવની હૉસ્ટેલમાં વિદ્યાર્થિની પર બળાત્કાર બાદ હત્યા 

એક સભ્યવાળી સમિતિ દ્વારા તપાસ કરવાનો સરકારનો આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મરીન ડ્રાઇવ ખાતેની સાવિત્રીબાઇ ફુલે મહિલા હૉસ્ટેલમાં મંગળવારે 18 વર્ષની યુવતીનો નિ:વત્ર મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ જેના પર શંકા હતી તે ચોકીદાર પ્રકાશ કનોજિયાએ લોકલ ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે આરોપીએ ભલે આત્મહત્યા કરી હોય પણ પોલીસ તપાસ શરૂ જ છે અને જે કોઇ આ માટે જવાબદાર ઠરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ દરમિયાન સંપૂર્ણ પ્રકરણની તપાસ એક સભ્યવાળી સમિતિ દ્વારા કરવામાં આવશે, એવી જાહેરાત હાયર ઍન્ડ ટેક્નિકલ ઍજ્યુકેશન ખાતાના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કરી હતી. આ સમિતિના વડા રાજ્યના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. નિપુન વિનાયક હશે. 

હૉસ્ટેલના ચોથા માળે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બળાત્કાર બાદ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. પોતાની દીકરી સાથે થયેલી આ ઘટના બાદ તેના પિતાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મારી દીકરીને એકલીને હૉસ્ટેલના ચોથા માળે રહેવાનું આપ્યું હતું. તેની સાથે બીજુ કોઇ નહોતું. આ માટે હૉસ્ટેલનાં અમુક મહિલા અધિકારીઓ જવાબદાર છે, એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પીડિતાના પિતાએ તે જવાબદાર અધિકારીનાં નામ જણાવીને તેની સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી તથા કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર પણ કર્યો હતો. 

શું થયું યુવતી સાથે?

પીડિતા પોલિટેક્નિકમાં શિક્ષણ લઇ રહી હતી. તે અકોલાની રહેવાસી હતી અને છેલ્લા કેટલાક દિવસથી હૉસ્ટેલના ચોથા માળે રહેતી હતી. મંગળવારે સવારથી તે રૂમની બહાર આવી નહોતી. તેથી અન્ય યુવતીઓ તેની રૂમ પાસે ગઈ જ્યાં બહારથી કડી લગાવેલી દેખાઇ હતી. રૂમ ખોલતા યુવતી નિ:વત્ર હાલતમાં જોવા મળી હતી. ત્યાર બાદ તેઓએ હૉસ્ટેલ પ્રશાસનને તેની જાણ કરી હતી. મરીન ડ્રાઇવ પોલીસે તપાસ શરૂ કરતા આરોપી કનોજિયાએ પણ ચર્ની રોડ સ્ટેશન નજીક ટ્રેક પર ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.