• શનિવાર, 02 માર્ચ, 2024

કાયદાને 13 વર્ષ વીતી જવા છતાં રાજ્ય સરકાર વૃદ્ધોની સંભાળ માટે તજ્ઞોની નિમણૂક કરી શકી નથી : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 4 : પવઈસ્થિત એક ખાનગી વૃદ્ધાશ્રમમાં પોતાના પિતાની યોગ્ય સંભાળ લેવામાં નહીં આવતાં તેમનું મૃત્યું થયાનું ધ્યાનમાં આવ્યા બાદ નિલોફર અમલાણીએ વૃદ્ધાશ્રમોની વ્યવસ્થાનો અભ્યાસ ર્ક્યો. વરિષ્ઠ નાગરિકોના કલ્યાણનો કાયદો 2007માં અસ્તિત્વમાં આવ્યા બાદ મહારાષ્ટ્રમાં 2010માં તેના નિયમ અધિસૂચિત થયા. જોકે, કાયદા અને નિયમોની અમલબજાવણી થતી નહીં હોવાનું નિલોફરના ધ્યાનમાં આવ્યું. તેમણે ઍડવોકેટ શાંતનૂ શેટ્ટી મારફત જનહિત અરજી કરી છે. આ અરજીની સુનાવણી વખતે મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપતાં કહ્યું કે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે આટલો જૂનો કાયદો છે છતાં રાજ્ય સરકારે હજી સુધી કાયદા મુજબ સ્ટેટ કાઉન્સિલ જ કાર્યરત કરી નથી. તમે અદાલતનું તો સાંભળતા નથી, સંસદનું તો સાંભળો, એમ કહીને ખંડપીઠે રાજ્ય સરકારને વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરીને સ્ટેટ કાઉન્સિલ કાર્યરત કરવાનો આદેશ આપ્યો છે. ખંડપીઠે સરકારને પહેલી જાન્યુઆરી 2024 સુધીનો સમય આપ્યો છે. 

સામાજિક ન્યાય વિભાગે પોતાના પ્રતિજ્ઞાપત્રમાં જણાવ્યું કે તમામ જિલ્લાની જિલ્લા સમિતી કાર્યાન્વિત છે. પરંતુ સ્ટેટ કાઉન્સિલ હજી પૂર્ણપણે કાર્યરત નથી. કાયદાની જોગવાઈ પ્રમાણે એ કાઉન્સિલમાં વરિષ્ઠ નાગરિકોના હિત માટે કાર્યરત તજજ્ઞ અને જાણીતી વ્યક્તિનો સમાવેશ જરૂરી છે. તે મજુબ આવી વ્યક્તિની શોધ કરવાનું કામ ચાલી રહ્યું છે. ખંડપીઠે આ બાબતની ગંભીર નોંધ લઈને જણાવ્યું કે નિયમ અધિસૂચિત થઈને 13 વર્ષ વીતી જવા છતાં હજી સુધી તમને તજજ્ઞ વ્યક્તિ મળી નથી? એ માટે 13 વર્ષ લાગે કે? સરકારને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની તાકીદ ખંડપીઠે કરી છે. દરમિયાન કાયદાની જોગવાઈ ફક્ત રાજ્ય સરકાર પાસે નોંધાયેલા વૃદ્ધાશ્રમો બાબતે છે અને ખાનગી વૃદ્ધાશ્રમ બાબતે નથી, આથી ફરિયાદીએ પવઈના ખાનગી વૃદ્ધાશ્રમ બાબતે સંબંધિત યંત્રણાને ફરિયાદ કરવાનું સામાજિક ન્યાય વિભાગે સ્પષ્ટ ર્ક્યું. એના જવાબમાં વર્તમાનમાં ખાનગી વૃદ્ધાશ્રમોનું નિયમન કરનારી કોઈ યંત્રણા અથવા ધોરણ છે કે, એની વિગત આપવાનો નિર્દેશ પણ ખંડપીઠે સરકારને આપ્યો છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ