• શનિવાર, 27 એપ્રિલ, 2024

`ચહલ પર્વ'નો અસ્ત  

1990ની બેન્ચના આઈએએસ અધિકારી ભૂષણ ગગરાણી મુંબઈ પાલિકાના નવા આયુક્ત નિમાયા છે. તેઓ આઈએએસ ઈકબાલ ચહલના અનુગામી છે. મુખ્ય પ્રધાન કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી રહેલા ગગરાણી પાસે નગર વિકાસ વિભાગ અને જળ સંશોધન જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોની જવાબદારી હતી. પાલિકાને લગભગ ચાર વર્ષ પછી નવા કમિશનર મળ્યા છે. ગગરાણીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિકટના માનવામાં આવે છે. કારણ કે, તેમની નિયુક્તિ મુખ્ય પ્રધાન હતા ત્યારે ફડણવીસે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં કરી હતી. પછી તેમને નગર વિકાસ વિભાગના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા.  કોરોના દરમિયાન 2020માં ગઠિત ટાસ્ક ફોર્સમાં પણ ગગરાણીને સામેલ કરવામાં આવ્યા હતા. નાગપુર યુનિવર્સિટીથી એલએલબી અને લંડનથી એમબી થયેલા ગગરાણીને શાસનતંત્રનો બહોળો અનુભવ હોવાથી મુંબઈગરાનું સદ્નસીબ રહેશે કે આવા આઈએએસની સેવા તેઓને મળશે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે મરાઠી ભાષા લઈને આઈએએસ બનનાર તેઓ દેશના પ્રથમ અધિકારી છે.

કોરોના જેવા કપરા કાળમાં આયુક્ત ઈકબાલ ચહલની કામગીરી પણ ખૂબ પ્રશંસનીય રહી છે, તત્કાલીન આયુક્ત પ્રવીણ પરદેશીની રાતોરાત બદલી કરી ચહલને મૂકવામાં આવ્યા હતા. તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકારના અનેક નિર્ણયો સખતાઈપૂર્વક અમલમાં મૂકવામાં ચહલની મુખ્ય ભૂમિકા રહી હતી. કોરોના કાળમાં રાતોરાત જમ્બો કોવિડ સેન્ટર ખોલવાં, કોવિડ ગ્રસ્તો માટે આઈસોલેશન કેન્દ્રો ખોલવાં, તેઓને સમયસર દવા અને બીજી જીવનાવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં ચહલ અગ્રસેર હતા. તેમનાં કાર્યોનું પરિણામ હતું કે મુંબઈમાં કોરોના ઉપર નિયંત્રણ અસરકારક રહ્યાં.

ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગયા પછી પણ નવી આવેલી શિંદે સરકારે ચહલને પાલિકા આયુક્ત તરીકે ચાલુ રાખ્યા હતા. તેમણે કરેલાં કાર્યોની કદર હતી. એટલું નહીં, પણ શિંદે સરકારમાં તેઓએ સાડા ત્રણથી વધુ વર્ષની સેવાથી લોકોના નહીં પણ પાલિકા કર્મચારીઓનાં દિલ જીતી લીધાં હતાં. ચહલના હૈયે હંમેશાં મુંબઈનું હિત રહેતું એટલે જ્યારે પણ મુંબઈ કે મુંબઈગરાને લગતી કોઈપણ યોજના હોય તેને અમલમાં મૂકવા તેઓ હંમેશાં આતુર રહેતા હતા.

ચહલના આયુક્તપદને ત્રણ વર્ષ પૂરાં થયાં છતાં તેમની બદલી નહીં કરવામાં આવી હોવાથી ઠાકરેસેનાએ કાગારોળ મચાવી હતી. છેવટે ચૂંટણી પંચના આદેશથી તેમની બદલી કરવામાં આવી છે. ચહલને નહીં પણ શિંદે ફડણવીસ માટે મોટો આંચકો માનવામાં આવે છે, પરંતુ મુંબઈગરાની તેઓએ કરેલી સેવા લાંબો સમય સુધી યાદ રહેશે.