• શનિવાર, 27 એપ્રિલ, 2024

ગુનેગારો બેખોફ શાને?  

ઉત્તર પ્રદેશના બદાયુમાં બે નિર્દોષ બાળકોની બે વાળંદ દ્વારા ગળું કાપી, શરીર પર ઘા મારી હત્યા કરવાના બનાવે ભારે ખળભળાટ મચાવી દીધો છે. હત્યામાં સંડોવાયેલો એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે જ્યારે બીજો ફરાર છે. ઘટનાને લઈ સમાજમાં ચોમેર રોષનું વાતાવરણ છે, પોલીસ ફરાર હત્યારાને તથા હત્યાનું કારણ શોધી રહી છે. કારણ ગમે તે હોય પણ માસૂમ બાળકોનાં ગળાં કાપીને હત્યા થઈ - કામ રાક્ષસી છે. પહેલાં રાજસ્થાનમાં નિર્દોષ દરજીની હત્યા થઈ તે ભુલાઈ નથી.

પોલીસ પોતાનું કામ કરશે પણ રાજકીય આક્ષેપબાજી અને ભડકામણ કોમવાદી ભાષણો કરનારા નેતાઓની આંખો ખૂલશે? આવી હત્યા, હિંસાના માર્ગેથી પાછા વાળવા માટે પ્રયાસ કરશે?

બદાયુની ઘટનાને સામાન્ય ગુનાહિત ઘટનાની જેમ જોવામાં આવશે અને હવે એક ઔપચારિક્તાના અંતર્ગત કાયદો પોતાનું કામ કરશે. સંભવ છે કે બીજો આરોપી પકડાઈ જાય અથવા તો તેનું પણ એન્કાઉન્ટર થઈ જાય, એટલે કે ન્યાય આપવાની પ્રક્રિયાનો શોર્ટ કટ પૂર્ણ થઈ જશે પણ આવા ગુનેગારોને તેઓ દ્વારા કરાયેલી હત્યા દરમિયાન બાળકોએ અનુભવેલી અસહ્ય વેદનાની અનુભૂતિ નહીં થાય. કોર્ટમાં કેસ લાંબો સમય ચાલશે તો ન્યાયનો હેતુ માર્યો જશે. એટલે આવા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને સબકરૂપ સજા થવી આવશ્યક છે.

બદાયુની ઘટનાને લઈ એવું લાગે છે કે જાણે ગુનેગારોને કાયદાનો કોઈ ભય નથી અને જાણે સરળતાથી કામ પાર પાડયું હોય! સવાલ છે કે સમજી-વિચારીને આટલી ભયંકર વારદાતને અંજામ આપતા પહેલાં આરોપીનો પોલીસ અને કાયદાકીય કાર્યવાહીનો ભય કેમ નહીં લાગ્યો? હત્યા પછીની કાર્યવાહીને લઈને પોલીસે જેટલી ચુસ્તી દાખવી, એટલી સક્રિયતા હંમેશાં સામાન્ય રીતે શા માટે નથી દેખાતી? કે ગુનાહિત પ્રકૃતિવાળા લોકોની અંદર કોઈ ડર ઊભો થાય? ઉત્તર પ્રદેશ સરકારની ગુનેગારો પ્રતિની નીતિ ઝીરો ડિગ્રીની છે, ત્યાં દરેક સ્તર પર ગુના વિરુદ્ધ સૌથી કડક અભિયાન ચલાવવામાં આવે છે અને ગુનેગારોનું મનોબળ તૂટી ગયું છે. પણ બધું સંગઠિત ગુનાખોરી, માફિયા ગૅંગ માટે કહેવાય છે. સામાજિક સ્તરે બદાયુ જેવી ઘટના બને અને શંકાસ્પદ હોય નહીં એવા યુવાનો બે નિર્દોષ સગીરોની હત્યા કરી નાખે તો તે સમાજને વિચારતો કરી મૂકે છે કે સામાજિક સ્તરે આવું માનસ ધરાવતા ગુનેગારોને કેવી રીતે પહોંચી વળવા. આવા કિસ્સામાં નાગરિકોની સાવધાની સિવાય બીજો કોઈ પર્યાય નથી.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એટલે એનસીઆરબીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે હત્યા, બળાત્કાર, અપહરણ જેવા જઘન્ય ગુનાઓનાં પ્રકરણમાં ઉત્તર પ્રદેશની છાપ બેહદ ચિંતાજનક છે. ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં રાજ્યની સ્થિતિ બેહદ અફસોસજનક છે.

એનસીઆરબીના રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશમાં  મોટા ભાગની હત્યાનું કારણ પરસ્પર વિવાદ છે. આનો અર્થ પણ છે કે એક બાજુ આવા પ્રકારના વિવાદો શરૂઆતના સ્તર પર ઉકેલવા અને તેને ગુનામાં પરિવર્તિત થતા રોકવા માટે રાજ્ય પાસે કોઈ તંત્ર નથી. જ્યારે નજીવી બાબતોને લઈ હત્યા કરી નાખનારાઓને કાયદો-વ્યવસ્થા કે પોલીસનો ખોફ નથી. બદાયુ જેવી ઘટનાઓનું પુનરાવર્તન થાય તે માટે હવે શિક્ષણશાત્રીઓ અને સમાજશાત્રીઓએ પોલીસ સાથે મળી કોઈ ઉકેલ શોધવો જોઈએ.