• શનિવાર, 27 એપ્રિલ, 2024

રશિયા સંયમથી કામ લે    

મૉસ્કોમાં એક કૉન્સર્ટ હૉલમાં બંદૂકધારી આતંકવાદીઓએ વરસાવેલી ગોળીઓમાં 133 લોકો માર્યા ગયા છે. આતંકવાદીઓએ ગોળીબાર પછી હૉલને આગ લગાડી દીધી હતી. સંદર્ભમાં કેટલાક લોકોને પોલીસે તાબામાં લીધા છે. જેમાં એક જીવંત આતંકવાદી પણ છે. પુતિને હુમલાને બર્બર આતંકવાદી કૃત્ય લેખાવ્યું છે. સાથે તેનો બદલો લેવાની વાત પણ કરી છે. ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહએ હુમલાની જવાબદારી લીધી છે.  

જોકે આઈએસએ લીધેલી જવાબદારીની પ્રમાણિકતા સત્યાપિત નથી થઈ શકી, પણ એક અમેરિકન જાસૂસ અધિકારીના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનમાં આઈએસની શાખા મૉસ્કોમાં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહી છે અને અંગે રશિયાના અધિકારીઓને માહિતગાર કરાયા હતા. પુતિનને હુમલામાં યુક્રેનનો હાથ દેખાય છે, યુક્રેને સ્પષ્ટ કર્યું છે કે અમારો હુમલા સાથે કોઈ સંબંધ નથી. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અમેરિકા-રશિયાના સંબંધોમાં ઓટ આવી હોવા છતાં વ્હાઈટ હાઉસે ગુપ્ત માહિતી રશિયાને આપી. પણ રશિયા ઊંઘતું ઝડપાયું અને અમેરિકાના ગુપ્ત રિપોર્ટ - સાચો સાબિત થયો છે.  

યુક્રેનને ડર છે કે ઘટનાના બહાને પુતિન સેનામાં નવી ભરતી કરવાનો પ્રયાસ કરશે અને યુદ્ધ વકરાવશે. બે વર્ષથી યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયાએ અનેક દુશ્મનો ઊભા કર્યા છે. આમાં જંગના મેદાનથી પાછો ફરનારો રશિયા રાષ્ટ્રવાદીઓનો સમૂહ પણ છે. જ્યારે પહેલા ચેચન્યા અને દાગેસ્તાનમાં સેનાની કાર્યવાહી લઈને પણ રશિયા આતંકવાદી સંગઠનોના નિશાન પર છે. 2015માં સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ અને શાસક બશર અલ અસદની વચ્ચેના જંગમાં રશિયાએ અસદને સાથ આપ્યો હતો. આથી હુમલામાં પોતાનો હાથ હોવાનો આઈએસનો દાવો સાચો લાગે છે.  

કોઈપણ પ્રકારનો આતંકવાદ નિંદનીય છે અને રશિયાને પૂરો અધિકાર છે કે દોષીઓને ઓળખીને તેઓને સજા આપે. પણ તેઓ ઘટનાનો ઉપયોગ પુરાવા વિના યુક્રેન વિરુદ્ધ યુદ્ધને વકરાવવા કરશે તો તે ઉચિત નહીં હોય. યુક્રેન પોતાના સાર્વભૌમત્વને બચાવવાની લડાઈ લડી રહ્યું છે અને રશિયાના કબજામાંના પોતાના વિસ્તારોને આઝાદ કરાવવા માગે છે, તેની અદાવત રશિયાના નાગરિકોથી નથી.