• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભાજપની પાંચમી યાદીમાં અનેક સરપ્રાઈઝ    

લોકસભાની ચૂંટણી માટે ભાજપ મોવડીમંડળે ઉમેદવારોની પાંચમી યાદીમાં અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે નવા ચહેરા પર દાવ લગાવ્યાનું ચિત્ર છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર થયાં પછી ચૂંટણી લડવાના ઇનકાર બાદ નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભાજપના પાંચમા લિસ્ટમાં 37 સાંસદોનાં નામ ગાયબ છે. જે મુખ્ય નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત, રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલનાં નામ છે. મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી છે, તો તેમના પુત્ર વરુણનું પત્તું કપાયું છે. હરિયાણામાં કૉંગ્રેસમાં બે વેળા સાંસદ રહેલા નવીન જિંદલનો કુરુક્ષેત્રથી અને અપક્ષ વિધાનસભ્ય અને રાજ્ય સરકારમાં પ્રધાન રણજિત ચૌટાલાને હિસારથી ટિકિટ આપવામાં  આવી છે. તેઓ બે દિવસ પહેલાં ભાજપમાં જોડાયા હતા. તેઓ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર અને ઓમપ્રકાશ ચૌટાલાના ભાઈ છે. ચૌધરી વીરેન્દ્ર સિંહ અને તેમના પુત્ર સાંસદ બૃજેન્દ્ર સિંહના ભાજપ છોડયા પછી પક્ષને હિસાર બેઠક પર શક્તિશાળી ઉમેદવારની આવશ્યકતા હતી. વાયનાડમાં રાહુલ ગાંધી સામે ભાજપના પ્રદેશાધ્યક્ષ કે. સુરેન્દ્રન્ને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.  

ભાજપે બિહારમાં પોતાના અનેક મુખ્ય નેતાઓ પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે, જેમાં રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રુડી, નિત્યાનંદ રાયગિરિરાજ સિંહ, આર. કે. સિંહ, રાધામોહન સિંહનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં પક્ષને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારને ઉમેદવાર બનાવ્યા છે, જેથી લિંગાયત સમાજને ફરી એકવાર પોતાની સાથે જોડી શકાય. સાંસદ અનંત હેગડેની ટિકિટ કાપવામાં આવી છે.  

ઓડિશામાં ભાજપ બધી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે. સૂચિમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પક્ષ ઉપાધ્યક્ષ બૈજનાથ પોડા, પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાનાં નામ સામેલ છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં પક્ષમાં પાછા ફરેલા અર્જુન સિંહને ટિકિટ આપી છે. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા તાપસ રોયને કોલકાતા ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને બશીરાહાતથી ઉમેદવાર બનાવ્યાં છે જ્યારે કૃષ્ણાનગરની બેઠક પરથી અમૃતા રોયને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. કોલકાતા હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય તમલુકથી ભાજપના ઉમેદવાર છે.  

મેરઠમાં ઉછેરેલા અને રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને ભાજપે મેરઠ-હાપુડ બેઠક પર ટિકિટ આપી છે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં અરુણ ગોવિલ પીળાં વસ્ત્રો પહેરી અયોધ્યાના રસ્તા પર નીકળ્યા ત્યારે જનતાએ તેમનું સ્વાગત પ્રભુ રામના રૂપમાં કર્યું હતું. મહાભારત અને રામાયણના અનેક કલાકારો સાંસદ બન્યા છે અથવા તો કોઈ અન્ય પદ પર છે. યોગાનુયોગ કે જે વર્ષ ભગવાન શ્રીરામના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા થઈ વર્ષે ગોવિલનો વનવાસ પણ ખતમ થયો. પોતાની જન્મભૂમિથી લોકસભામાં જવા માટે ભાજપ દ્વારા તેમને તક આપવામાં આવી રહી છે.