• શનિવાર, 27 એપ્રિલ, 2024

બારામતીમાં બાજી પલટાય છે : શરદ પવાર સામે ગંભીર પડકાર

મહારાષ્ટ્રમાં બારામતી લોકસભા મતદાર ક્ષેત્રની દેશભરમાં ચર્ચા છે. કોઈપણ પરિસ્થિતિમાં આ મતદાર ક્ષેત્રમાં શરદ પવારને આંચકો આપવા માટે મહાયુતિ પ્રયાસોની પરાકાષ્ઠા રહી છે. શરદ પવારના ભત્રીજા - નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ભાજપ સાથે જોડાઈ જતાં મહાયુતિનો વિશ્વાસ પણ વધ્યો છે, પડકાર ગંભીર હોવાથી શરદ પવાર પણ મતદાર ક્ષેત્રની નવેસરથી વ્યૂહરચનામાં જાતિય સમીકરણો પોતાની તરફેણમાં કરવામાં લાગ્યા છે. રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા મહાદેવ જાનકરને અન્યત્ર - માઢામાં ટેકો આપી બારામતીમાં પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. `શતરંજ'ના ખેલમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ચાણક્ય ગણાતા શરદ પવારને `જવાબ' આપવા માટે મહાદેવ જાનકરને જીતીને જાનકર અને માજી પ્રધાન હર્ષવર્ધન પાટીલ બંનેને અજિત પવાર સાથે `સંધિ' કરાવીને દેવેન્દ્ર ફડણવીસે શરદ પવારને `શેહ' આપવાનો પ્રયાસ કર્યો છે!

મહાવિકાસ આઘાડીના નેતા શરદ પવારે મહાદેવ જાનકરને માઢા લોકસભા મતદાર ક્ષેત્રથી ઉમેદવારી આપવાની અૉફર આપી હતી. જાનકર ધનગર સમાજના પ્રભાવશાળી નેતા છે. તેને લઈ પશ્ચિમ મહારાષ્ટ્રમાં સર્વત્ર અને મરાઠવાડામાંના લાતુર, ઉસ્માનાબાદ (ધારાશિવ), બીડ અને ઉત્તર મહારાષ્ટ્રના અહમદનગર, દક્ષિણ અને શિરડી લોકસભા મતદાર ક્ષેત્રમાં ધનગર સમાજ લક્ષણીય હોવાથી ખૂબ મોટો પડકાર મહાયુતિ સામે ઊભો થવાનો હતો. તેને લઈ શરદ પવાર-જાનકર વચ્ચે ચર્ચાની અનેક બેઠકો થઈ હતી.

બારામતી લોકસભા મતદાર ક્ષેત્રમાં ધનગર સમાજ બહુસંખ્યક છે. આ કાર્ડના જોર પર ભાજપના વિધાનસભ્યો ગોપીચંદ પડલકર અને મહાદેવ જાનકરે તે વિસ્તારમાં શરદ પવાર- અજિત પવારના વિરોધમાં છેલ્લા દશકામાં સંઘર્ષ કર્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં તો શરદ પવારના કિલ્લા બારામતીમાં અપક્ષ ઉમેદવારી કરીને મહાદેવ જાનકરે સુપ્રિયા સુળેના વિરોધમાં 4 લાખ 51 હજાર 843 મતો મેળવ્યા હતા. તે વેળા સુપ્રિયા સુળે 69 હજાર 719 મતોથી વિજયી બન્યાં હતાં. જોકે, આ વેળા જાનકર મહાયુતિ સાથે હોવાથી બારામતી જ નહીં પણ પરભણી અને માઢા મતદાર ક્ષેત્રો મહાયુતિ માટે સેફ બનાવ્યા છે. ફડણવીસે એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં છે.

જાનકરે મતોના મોરચે વિરોધીઓ સામે ફેંકેલા પડકારો તથા અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારની ઉમેદવારી કરશે એવી હવા ફેલાવી હતી અને શરદ પવાર મહાદેવ જાનકરના ટેકા ઉપર મદાર હતા પણ અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે બારામતીમાં જાનકરની ઉમેદવારી નિર્ણાયક ઠરશે.

આ સમગ્ર રાજરમતમાં ફડણવીસ ફરી એકવાર ચાણક્ય પુરવાર થયા છે. અજિત પવાર સાથે મળી સુનેત્રા પવારનું નામ ચર્ચામાં લાવી શરદ પવારનું ધ્યાન ઘરની લડાઈમાં જ રહે એવી ગોઠવણ કરી અને બીજી બાજુ મહાદેવ જાનકરને સીધા `વર્ષા' બંગલામાં બોલાવી સમજાવ્યા અને ફરી મહાયુતિમાં લીધા. ત્યાર પછી ચંદ્રપુરના ભાજપ નેતા હર્ષવર્ધન પાટીલને પણ સીધા `વર્ષા'માં બોલાવ્યા અને અજિત પવાર વિરોધની તેમની નારાજગી દૂર કરી. પરિણામે બારામતીમાં મહાયુતિનો અંતર્ગત વિરોધ લગભગ ટળી જવા આવ્યો છે. શરદ પવાર માટે બારામતી કિલ્લો અભેદ રાખવા હવે નવેસરથી વ્યૂહરચના કરવાનો સમય આવ્યો છે.