• શનિવાર, 27 એપ્રિલ, 2024

કૉંગ્રેસ છોડો અભિયાન  

શિરોમણિ અકાલી દળે નિર્ણય લીધો છે કે પંજાબમાં ભાજપની સાથે ગઠબંધનને બદલે સિદ્ધાંતોને પસંદ કરશે. નિર્ણયના બે દિવસ પછી ભાજપે જાહેર કર્યું છે કે અન્ય પક્ષને સાથે લીધા વિના લોકસભા ચૂંટણી લડાશે. ભાજપના નિર્ણય સાથે પંજાબમાં હવે લોકસભા ચૂંટણીમાં બહુકોણીય મુકાબલો જોવા મળશે. રાષ્ટ્રીય સ્તર પર સાથે આવેલા કૉંગ્રેસ અને આમ આદમી પક્ષ પંજાબમાં અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ-અકાલી દળ એકબીજાની સામે હોવાથી કૉંગ્રેસ અને `આપ' હાશકારો અનુભવે તે સ્વાભાવિક છે.

જ્યારે લુધિયાણાથી હાલના કૉંગ્રેસના સાંસદ રવનીત સિંઘ બિટ્ટુ ભાજપમાં સામેલ થઈ ગયા છે. શિરોમણિ અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધનની શક્યતા ખતમ થયા પછી હવે નવાં રાજકીય સમીકરણ બની રહ્યાં છે, જેને લઈ આમ આદમી પક્ષને પણ ટૂંકમાં મોટો આંચકો લાગે તો નવાઈ નહીં. શિરોમણિ અકાલી દળથી અલગ થયા પછી જે બેઠકો પર પક્ષનો આધાર ઓછો હતો હવે બેઠકો પર પણ ભાજપ જોરદાર લડત આપશે. ભાજપ અત્યાર સુધી પંજાબની 13 બેઠકોમાંથી ફક્ત ત્રણ બેઠકો પર ચૂંટણી લડતો રહ્યો છે. બિટ્ટુથી પહેલાં પટિયાલાથી કૉંગ્રેસનાં હાલનાં સાંસદ પરનીત કૌર પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં છે.

બિટ્ટુ પંજાબમાં કૉંગ્રેસનો મોટો ચહેરો રહ્યા છે તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન બિયંત સિંઘના પૌત્ર છે. બિયંત સિંઘે આતંકવાદ ખતમ કરવાની લડાઈમાં જીવ ગુમાવ્યો હતો. લોકસભામાં કૉંગ્રેસના નાયબ નેતા રહેલા બિટ્ટુ ખેડૂત આંદોલનમાં અગ્રેસર હતા. તેમણે ખેડૂત નેતાઓ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ખેડૂત આંદોલનને ખોટા લોકોએ હાઈજેક કરી લીધું છે. આવા લોકો ખાલિસ્તાનનાં સૂત્રો પોકારી રહ્યાં છે, તેઓ ક્યારે પણ ખેડૂત હોઈ શકે નહીં. એટલું નહીં, બિટ્ટુએ ખેડૂત આંદોલનમાં આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આંદોલન તુરંત સમાપ્ત કરવાની રજૂઆત કરી હતી.

રવનીત બિટ્ટુ 2009માં રાહુલ ગાંધીની યુવા બ્રિગેડમાં સામેલ હતા અને ટિકિટ મળી હતી. 2009, 2014 અને 2019 એમ ત્રણ વખત તેઓ લોકસભાની બેઠક જીત્યા છે. લાંબા સમયથી લુધિયાણાના સ્થાનિક વિધાનસભ્યો સાથે જામતું નહોતું. લુધિયાણાથી બદલીને શ્રીઆનંદપુર સાહિબથી ઉતારવા વિચાર થઈ રહ્યો હતો. પછી એવી ચર્ચા હતી કે તેઓ `આપ'માં સામેલ થઈ સંગસરથી ચૂંટણી લડી શકે છે. પણ જ્યારે સંગસરથી કૅબિનેટ પ્રધાન ગુરમીત હેયરની પસંદગી થઈ હોવાથી `આપ'માં સામેલ થવાની શક્યતા નહીં હોવાથી ભાજપમાં જોડાયા છે.

કૉંગ્રેસ છોડનારા નેતાઓની સંખ્યા જે ઝડપથી વધી રહી છે એનાથી તો લાગે છે કે પક્ષ છોડો એવું કોઈ અભિયાન ચાલી રહ્યું છે. નેતાઓના પક્ષ છોડવાને લઈ કૉંગ્રેસ મોવડીમંડળે હેરાન-પરેશાન થવું જોઈએ, પણ મોવડીમંડળના પેટનું પાણી હલતું નથી! કદાચ એવું હોઈ શકે કે રાહુલ ગાંધી સામાન્ય રીતે આવા નેતાઓને ડરપોક કે તકવાદી ઠેરવી કર્તવ્યની ઈતિશ્રી કરી લે છે. તેઓ જોવા-સમજવા માટે તૈયાર નથી કે છેવટે શું કારણ છે કે એક પછી એક નેતા પક્ષ છોડી રહ્યા છે.