• શનિવાર, 27 એપ્રિલ, 2024

આઘાડીનું ભવિષ્ય અધ્ધરતાલ  

શિવસેના ઠાકરે જૂથે લોકસભા ચૂંટણીની પહેલી યાદી જાહેર કરી છે. મુંબઈની ચાર અને મહારાષ્ટ્રની 17 બેઠકોની યાદી બહાર પડયા પછી કૉંગ્રેસે ઉદ્ધવ ઠાકરે પ્રતિ નારાજગી વ્યક્ત કરી છે. કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમે જાહેર કર્યું છે કે તેઓ ખીચડી કૌભાંડ આચરનારા અમોલ કીર્તિકરનો પ્રચાર નહીં કરે ત્યારે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિજય વડેટ્ટીવાર અને બાળાસાહેબ થોરાતે ઉદ્ધવ ઠાકરેને આઘાડી ધર્મની યાદ અપાવી છે!

વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે મરાઠા અનામત આંદોલનના મનોજ જરાંગે પાટીલ સાથે નવી `આઘાડી' રચી છે અને મહારાષ્ટ્રના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. તેઓ મહાવિકાસ આઘાડી સાથે નથી સ્પષ્ટ થયું છે. આંબેડકરના નિર્ણયને લઈ મહાવિકાસ આઘાડીને આંચકો લાગ્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે અમે `વંચિત' માટે કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી, હજી પણ સમય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં વંચિતના ઉમેદવારોનાં કારણે શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી મળીને બેઠકો પર પરાભવનું મોઢું જોવું પડયું હતું.

શિવસેના ઠાકરે જૂથે મુંબઈમાં ચાર લોકસભા મતદાર ક્ષેત્રમાં ઉમેદવાર ઘોષિત કર્યા છે. શિવસેના અને વિશેષ કરીને ઠાકરે કુટુંબનો ગઢ મુંબઈ હોવાનું મનાય છે પણ બદલાતી રાજકીય પરિસ્થિતિ, શિવસેનામાં ફૂટ તેમ તેની પહેલી યાદી સામે કૉંગ્રેસનો વિરોધ જોતાં ઠાકરે જૂથને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાશે.

ઠાકરે જૂથે ઈશાન મુંબઈથી સંજય દીના પાટીલ, દક્ષિણ મુંબઈથી હાલના સાંસદ અરવિંદ સાવંત, વાયવ્ય મુંબઈથી અનિલ દેસાઈની ઉમેદવારી જાહેર કરી છે. તો ભાજપે સૌથી પહેલાં ઉત્તર મુંબઈથી પીયૂષ ગોયલ અને ઉત્તર પૂર્વ મુંબઈથી મિહિર કોટેચાને ઉમેદવારી જાહેર કરી છે. ગોયલ કેન્દ્રીય પ્રધાન છે તો મિહિર કોટેચાનો પોતાના મતદાર ક્ષેત્રમાં સારો દબદબો હોવાથી બંને મતદાર ક્ષેત્રમાં ઠાકરે જૂથ માટે ચૂંટણી પડકારરૂપ હશે.

શિવસેનાએ પહેલી યાદી જાહેર કરી આઘાડી ધર્મ પાળ્યો નથી એમ કૉંગ્રેસ નેતાઓએ કહ્યા પછી કૉંગ્રેસના ઈચ્છુક દાવેદારોએ દિલ્હી દોટ મૂકી છે. ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ માટે વિકટ સ્થિતિ ઊભી કરી છે. મહાવિકાસ આઘાડીમાં શિવસેનાએ મોટો ભાઈ હોવાનું પ્રથમ યાદીથી લઈ પુરવાર કર્યું હોવાથી હવે પછી કૉંગ્રેસે બે વખત વિચારીને ઉમેદવારોનાં નામ જાહેર કરે એમ નેતાઓ કહી રહ્યા છે. શિવસેના ઠાકરે જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓનું સાંભળતા હોય નહીં તો પછી કૉંગ્રેસ મોવડીમંડળ યાદીમાં ફેરફાર કરવા દબાણ લાવે તો ઠાકરે કેટલી બાંધછોડ કરે છે તેના પર મહાવિકાસ આઘાડીનું ભવિષ્ય અવલંબશે.